મોટર વ્હિકલ એક્ટ આ નિયમ જાણી લેજો, પોલીસ પણ તમારો મેમો ફાડતા પહેલાં વિચાર કરશે
ગાંધીનગર :
મોદી સરકારે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો સામે લાલ આંખ કરી દંડમાં મોટો વધારો કર્યો છે. જેની સામે રૂપાણી સરકારે આંશિક રાહત આપતા દંડમાં થોડો ઘટાડો કર્યો છે. ત્યારે આ નિયમ 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં પણ લાગૂ કરી દેવામાં આવ્યો છે. આ નિયમ લાગૂ થતાની સાથે જ રાજ્યમાં મોટો દંડ વસૂલવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેવામાં તમારે કેટલાક નિયમો જાણવા જરૂરી છે.
તાત્કાલિક મેમો ભરવો જરૂરી નથી
પોલીસ મેમો ફાડે ત્યારે એક વિટનેસની સહી જરૂરી
જો ચાલકની કોઈ ભૂલ ન હોય તો કોર્ટ દંડ માફ કરી શકે છે
રાજ્યભરમાં ટ્રાફિકનો નવો નિયમ લાગૂ થઇ ગયો છે. ત્યારે આ કેટલાક લોકોએ નવા નિયમને આવકાર્યો તો કેટલાકે વિરોધ કર્યો છે. તેવામાં આટલા મોટા દંડથી લોકોની મુશ્કેલી વધશે. પરંતુ આ નિયમો જાણી લેજો પોલીસ પણ દંડ ફટકારતા પહેલા વિચારશે.
નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થયા બાદ કેટલાક વાહન ચાલકોમાં ફફડાટ છે. શું કરવું અને શું ન કરવું તેમાં વાહન ચાલકો કન્ફ્યુઝ છે. પરંતુ નવા નિયમથી જરાએ ગભરાવવાની જરૂરીયાત નથી. કારણ કે નવા નિયમમાં કેટલીક એવી પણ જોગવાઈઓ કરવામાં આવી છે જે વાહન ચાલકો માટે ફાયદાકારક છે. તમારી પાસે લાયસન્સ કે પછી RC બુક ન હોય તો પોલીસને તાત્કાલિક મેમો ફાડવાનો કોઈ અધિકાર નથી. પોલીસ તમને ડોક્યુમેન્ટ બતાવવા માટે 15 દિવસનો સમય આપવા માટે બંધાયેલી છે.
તાત્કાલિક મેમો ભરવો જરૂરી નથી
જો તમારા વાહને કોઈ અકસ્માત સર્જ્યો હોય તો 7 દિવસમાં ડોક્યુમેન્ટ તમારે રજૂ કરવાના રહે છે. આ તમામ જોગવાઈ મોટર વ્હીકલ એક્ટના નિયમ 139માં કરવામાં આવી છે. જો કોઈ પોલીસકર્મી તાત્કાલિક મેમો ફાડે તો તમે કોર્ટનો સહારો લઈ શકો છો. તમારે તાત્કાલિક મેમો ભરવો જરૂરી નથી. કારણ કે ટ્રાફિક પોલીસનો મેમોએ કોઈ કોર્ટનો આદેશ નથી.
પોલીસ મેમો ફાડે ત્યારે એક વિટનેસની સહી જરૂરી
તો ટ્રાફિક પોલીસની ભૂલ હોય તો ચાલક કોર્ટમાં અપીલ કરી શકે છે. જો ચાલકની કોઈ ભૂલ ન હોય તો કોર્ટ દંડ માફ કરી શકે છે. તો પોલીસ કોઈ પણ મેમો ફાડે તેમાં એક વિટનેસની સહી હોવી જરૂરી છે અને કોર્ટમાં સમરી ટ્રાયલ સમયે ટ્રાફિક પોલીસે વિટનેસ રાખવો જરૂરી છે. જો પોલીસ વિટનેસને રજૂ ન કરી શકે તો ચાલકને ફાયદો મળે છે.