દિવાળી પહેલા ગુજરાતના રાજકારણમાં મોટો ભૂકંપ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ટોચના ત્રણ નેતાઓ તાત્કાલિક દિલ્હી દોડ્યા
દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી રાજકીય હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડના તેડાંને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલ અને મહામંત્રી રત્નાકર તાત્કાલિક દિલ્હી પહોંચ્યા છે. આ અચાનક દિલ્હી મુલાકાતને કારણે ફરી એકવાર રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં મોટા ફેરફારોની અટકળોએ જોર પકડ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મહત્ત્વની મુલાકાત કરશે.
જગદીશ પંચાલની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂંક બાદની આ પ્રથમ દિલ્હી મુલાકાત ઘણી સૂચક માનવામાં આવે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં મંત્રીમંડળના વિસ્તરણ પર મહોર લાગી શકે છે અને આગામી પાલિકાની ચૂંટણીઓ માટે પ્રદેશ ભાજપના સંગઠનના માળખાને વ્યૂહાત્મક રીતે સજ્જ કરવા અંગે ચર્ચા થશે. પ્રદેશ પ્રમુખ અને મહામંત્રીની હાજરી જોતાં સ્પષ્ટ છે કે આ મુલાકાત સંગઠનાત્મક ફેરફારો પર કેન્દ્રિત છે. બીજી તરફ, મંત્રીમંડળના વિસ્તરણની અટકળોથી ઘણાં વર્તમાન મંત્રીઓમાં હકાલપટ્ટીનો ડર પેઠો છે, જેના કારણે સ્વર્ણિમ સંકુલમાં ફાઈલોનો ઝડપી નિકાલ કરવા માટે દોડાદોડ જોવા મળી રહી છે.