EPFOના 7 કરોડ સભ્યોને મોટી રાહત: PF ઉપાડના નિયમો સરળ બન્યા, હવે 75% રકમ ગમે ત્યારે ઉપાડી શકાશે
એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન (EPFO) એ તેના 7 કરોડથી વધુ સભ્યો માટે PF ઉપાડની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય ટ્રસ્ટી બોર્ડ (CBT)ની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય મુજબ, હવે EPFO સભ્યો તેમના PF ખાતામાં કુલ ફંડના 25% રકમને ન્યૂનતમ બેલેન્સ તરીકે જાળવી રાખીને, બાકીની 75% રકમ કોઈ પણ સમસ્યા વિના ઉપાડી શકશે. અગાઉ આ સુવિધા માત્ર બેરોજગારી કે નિવૃત્તિના કિસ્સામાં જ ઉપલબ્ધ હતી. આનાથી સભ્યોને 8.25% વાર્ષિક વ્યાજનો લાભ મળતો રહેશે અને તેમનું ન્યૂનતમ નિવૃત્તિ ફંડ પણ જળવાઈ રહેશે.
આ બેઠકમાં અન્ય મહત્ત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાયા છે, જેમ કે આંશિક ઉપાડ માટે અગાઉની 3 વખતની મર્યાદા દૂર કરવામાં આવી છે. હવે સભ્યોને શિક્ષણ માટે 10 વખત અને લગ્ન માટે 5 વખત સુધી ઉપાડની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત, આંશિક ઉપાડ માટે સર્વિસ ટેન્યોરની મર્યાદા બધા માટે એકસમાન કરીને 12 મહિના નક્કી કરવામાં આવી છે, જે નવા કર્મચારીઓ માટે ફાયદાકારક છે.