ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી રવિ નાઈકનું 79 વર્ષની વયે નિધન
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી, ભાજપના દિગ્ગજ નેતા રવિ નાઈકનું આજે 79 વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને મોડી રાત્રે હૃદયરોગનો ગંભીર હુમલો આવતાં તેમનું નિધન થયું હતું. પણજીથી 30 કિલોમીટર દૂર આવેલા પોંડા ખાતેના તેમના નિવાસસ્થાને તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, મોડી રાત્રે લગભગ 1 વાગ્યે ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. રવિ નાઈકે ગોવાના મુખ્યમંત્રી અને વર્તમાન કૃષિ મંત્રી તરીકે રાજ્યની રાજકીય ક્ષેત્રે નોંધનીય સેવા આપી હતી. તેમના નિધનથી ગોવાના રાજકારણમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્વર્ગસ્થ નેતાના અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે કરવામાં આવશે.