ગાંધીનગરમાં રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવતી ગેંગનો તરખાટ: સિક્યોરિટી જવાનના ખિસ્સામાંથી ₹20,000 સેરવી લીધા
ગાંધીનગર શહેરમાં મુસાફરોને નિશાન બનાવતી રિક્ષા ગેંગનો તરખાટ વધી રહ્યો છે. તાજેતરમાં સેક્ટર-16 પાસે એક સિક્યોરિટી જવાનને રિક્ષામાં બેસાડીને ગઠિયાઓએ ચતુરાઈથી તેમના ખિસ્સામાંથી ₹20,000 રોકડા સેરવી લીધા હતા. આ અંગે સેક્ટર-21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
ગત 29મી તારીખે દુર્ગાષ્ટમી હોવાથી સિક્યોરિટી ગાર્ડ સુરજસિંહ દલપતસિંહ રાઠોડ તેમના વતન જવા માટે સેક્ટર-16 પાસે રિક્ષાની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન એક CNG રિક્ષા આવી, જેમાં ડ્રાઇવર સહિત પાંચ વ્યક્તિઓ પહેલેથી જ બેઠેલા હતા. સુરજસિંહ રિક્ષામાં બેઠા ત્યારે પાછળ બેઠેલા વ્યક્તિએ ‘સંકળાશ પડે છે, સીધા બેસો’ તેમ કહીને તેમને ત્રણ વખત ઊભા કર્યા હતા.
આ જ ગાળામાં ગઠિયાઓએ તેમના ખિસ્સામાંથી ₹20,000 કાઢી લીધા હતા. પૈસા સેરવાયાનો અંદાજ આવતાં સુરજસિંહે રિક્ષા ઊભી રાખવા કહ્યું, પણ આગળ જઈને રિક્ષાવાળાઓ તેમને ઉતારીને ફરાર થઈ ગયા. ખિસ્સામાં તપાસ કરતાં પૈસા ગાયબ હતા. પોલીસે ફરાર થઈ ગયેલા ગઠિયાઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.