ગાંધીનગર હત્યા કેસ: પોલીસે આસપાસના CCTV ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું, હત્યાનું કારણ અકબંધ
ગાંધીનગર શહેર નજીક આવેલા ઇન્દ્રોડા ગામમાં રહેતા એક રિક્ષા ચાલક યુવાનની માથામાં ઘા મારીને હત્યા કરાયેલી હાલતમાં આજે સવારે લાશ મળી આવી છે. આ મૃતદેહ ઇન્દ્રોડાના કિલ્લા પાસે તેમની રિક્ષાની બાજુમાં જ મળી આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, જોકે પોલીસને શંકા છે કે આ હત્યામાં કોઈ પરિચિત વ્યક્તિનો હાથ હોઈ શકે છે.
મૃતક અરજણજી મોહનજી ઠાકોર (ઉંમર 42) ગઈકાલે સાંજે રિક્ષા લઈને ઘરેથી નીકળ્યા બાદ તેમનો સંપર્ક તૂટી ગયો હતો. આજે સવારે પરિવારજનો તેમને શોધતા કિલ્લા પાસે પહોંચ્યા, જ્યાં તેમનો મૃતદેહ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડ્યો હતો. માથામાં ધોકા વડે હુમલો કરવામાં આવતા ખોપડી ફાટી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.
મૃતકના પિતરાઈ ભાઈ શૈલેષજી જુહાજી ઠાકોરની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવાના શરૂ કર્યા છે. પોલીસ માની રહી છે કે હત્યા ઇન્દ્રોડા ગામ પાસે જ થઈ હોવાથી આરોપી કોઈ પરિચિત વ્યક્તિ હોવાની શક્યતા વધુ છે.