ગુજરાત સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી મંત્રીમંડળના વિસ્તરણની અટકળો પર આખરે પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. રાજ્યમાં શુક્રવારે (17મી ઓક્ટોબર) ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે.
સવારે 11:30 વાગ્યે યોજાનારા આ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. આ કાર્યક્રમ માટે ભાજપ હાઇકમાન્ડના ટોચના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે; જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે રાત્રે ગુજરાત પહોંચશે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ મુલાકાત લે તેવી શક્યતા છે.
સરકાર દ્વારા મંત્રીઓના નામો અંગે સંપૂર્ણ ગોપનીયતા જાળવવામાં આવી છે. જોકે, ભાજપના દંડકે ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા સૂચના આપી દીધી છે. મંત્રીમંડળનું કદ આ વખતે 20થી વધુ મંત્રીઓનું હોઈ શકે છે, જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2 માં મંત્રીઓની ઓફિસોમાં સાફ-સફાઈ અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મંત્રીપદ માટેના ફોનની રાહ જોઈ રહેલા ધારાસભ્યોની નજર તેમના મોબાઈલ ફોન પર મંડાયેલી છે.