રાષ્ટ્રીય

મૃત્યુદંડની સજા પર સુપ્રીમનો કેન્દ્રને સવાલ: ફાંસીની જગ્યાએ ઓછું પીડાદાયક ‘ઇન્જેક્શન’ કેમ ન અપનાવી શકાય?

ભારતમાં દોષિતોને ફાંસી આપીને મૃત્યુદંડ આપવાની પદ્ધતિને પડકારતી એક જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મહત્ત્વનો સવાલ કર્યો છે. કોર્ટે સરકારને પૂછ્યું કે, મૃત્યુદંડ આપવા માટે ફાંસીની જગ્યાએ ઓછું પીડાદાયક ગણાતું ઘાતક ઇન્જેક્શન (Lethal Injection) કેમ ન અપનાવી શકાય?

અરજદારે એવી દલીલ કરી હતી કે બંધારણ દ્વારા અપાયેલા ‘સન્માનજનક મૃત્યુના અધિકાર’ માં આ વાતનો સમાવેશ થવો જોઈએ. ફાંસીની સજા ક્રૂર અને દર્દનાક છે, જ્યારે ઇન્જેક્શન, ફાયરિંગ સ્ક્વાડ કે વીજળીના કરંટ જેવા વિકલ્પોથી માત્ર પાંચ મિનિટમાં મૃત્યુ થઈ શકે છે.

કેન્દ્ર સરકાર તરફથી વકીલે દલીલ કરી હતી કે કેદીઓને વિકલ્પ આપવો એ નીતિગત મામલો છે અને ફાંસીની જગ્યાએ અન્ય પદ્ધતિ અપનાવવી વ્યવહારિક રીતે શક્ય નથી. આના પર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ વિક્રમનાથ અને સંદીપ મહેતાની ખંડપીઠે નારાજગી વ્યક્ત કરતાં મૌખિક અવલોકન કર્યું કે, “સમસ્યા એ છે કે સરકાર જ સજાની આ પદ્ધતિને બદલવા તૈયાર નથી, ફાંસીની સજા બહુ જ જૂની પ્રક્રિયા છે, જ્યારે સમય સાથે બદલાવ આવી ગયો છે.” કોર્ટે કહ્યું કે કેન્દ્ર સમય સાથે વિચારો વિકસિત કરવા તૈયાર નથી. હવે આ કેસની આગામી સુનાવણી 11 નવેમ્બરના રોજ હાથ ધરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *