વડોદરામાં હવે સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે કરોડની છેતરપિંડી આવી સામે
આણંદ નજીકના ચિખોદરા ગામમાં ફાર્મ હાઉસ ખાતે રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સ્વામી સહિત કુલ આઠ શખ્સોએ અમદાવાદના એક બિલ્ડર સાથે મોટી છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ બિલ્ડરને વડોદરાના સાવલી તાલુકામાં મંદિર બનાવવા માટે જમીન ખરીદવાની ભાગીદારીની લાલચ આપીને તેમની પાસેથી કુલ ₹4.50 કરોડની રકમ પડાવી લીધી છે.
અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા બિલ્ડર જીવણભાઈ ટોકરભાઈ પરમારે આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, બિલ્ડરનો પરિચય કેટલાક શખ્સો દ્વારા દેવપ્રકાશ ઉર્ફે ડીપી સ્વામી અને વેદપ્રકાશ ઉર્ફે વીપી સ્વામી સાથે કરાવવામાં આવ્યો હતો. આ સ્વામીઓ સહિત આઠેય આરોપીઓએ બિલ્ડરને વડોદરાના જાવોલ ગામે 339 વીઘા જમીન ઊંચા ભાવે ખરીદીને મંદિર અને ગૌશાળા બનાવવાની લાલચ આપી હતી, જેમાં નફામાં ભાગીદાર બનાવવાનું આશ્વાસન આપ્યું હતું.
આ લાલચમાં આવીને જીવણભાઈ પરમારે માર્ચ અને એપ્રિલ 2023 દરમિયાન જુદા-જુદા સમયે કુલ ₹4.50 કરોડની રકમ આપી હતી. આ રકમ અંગે નોટરી લખાણ પણ કરવામાં આવ્યું હતું. આણંદ ગ્રામ્ય પોલીસે બંને સ્વામી સહિત 8 શખ્સો વિરુદ્ધ ઠગાઈનો ગુનો દાખલ કરીને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરી છે.