છ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીના ઉમેદવારો માટે કૉંગ્રેસની કવાયત શરૂ
અમદાવાદ:
ગુજરાતમાં પેટાચૂંટણીની તારીખોની જાહેરાત થઈ ગઈ છે ત્યારે બન્ને રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી દીધી છે. કૉંગ્રેસ પક્ષે મુરતિયાઓ શોધવાની કવાયત શરૂ કરી છે. વિધાનસભા બેઠક દીઠ નિરીક્ષકો દ્વારા તૈયાર કરાયેલી પેનલમાંથી એક ઉમેદવારને પાર્ટી સીધો મૅન્ડેટ આપશે. પાર્ટી દાવેદારોની પ્રતિક્રિયા નહીં માગે.
ગુજરાતમાં ૨૧મી ઑક્ટોબરના રોજ ગુજરાતની ખાલી પડેલી સાત પૈકી છ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાશે અને ચૂંટણીનું પરિણામ આગામી ૨૪ તારીખે જાહેર કરવામાં આવશે. ત્યારે ચૂંટણી પહેલાં કૉંગ્રેસ પક્ષે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ઉમદેવારની પસંદગી માટે કવાયત શરૂ કરી છે. ઉમેદવારની પસંદગી સ્થાનિક કક્ષાએ કરવામાં આવશે. નિરીક્ષકો દ્વારા અપાયેલા નામ પર પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ મહોર મારશે. મહત્ત્વપૂર્ણ છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા શનિવારે ગુજરાતની સાત પૈકી ચાર બેઠક, ખેરાલુ, લુણાવાડ, અમરાઇવાડી અને થરાદ બેઠકની જાહેરાત કરાઇ હતી, પરંતુ અન્ય બાકી ત્રણ પૈકી બે વિધાનસભા બેઠક રાધનપુર અને બાયડની જાહેરાત રવિવારના રોજ કરવામાં આવી હતી, પણ હજુ એક બેઠક મોરવાહડફની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી નથી.