ભુજમાં બોગસ પીયુસી સર્ટિફિકેટ બનાવનારા પકડાયા ચાર હજારથી વધુ સર્ટિફિકેટ કબજે કરાયાં
ભુજ:
ગુજરાતમાં નવો મોટર વેહિકલ ઍકટ અમલમાં આવતા સરકારની નવી યોજનામાંથી આર્થિક લાભ લેવા માટે ભેજાબાજો કોઇને કોઇ રસ્તો અપનાવતા હોય છે. ભુજમાંથી એલ.સી.બીએ તાજેતરમાં જ સરકારના નવા ટ્રાફિક નિયમોમાંથી આર્થિક લાભ લેવા માટે બોગસ પી.યુ.સી સર્ટિફિકેટ બનાવી વેચવાનું કૌભાંડ શરૂ કરનાર બે ભેજાબાજોને બનાવટી દસ્તાવેજ અને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પોલીસે નવા ટ્રાફિક નિયમ બાદ ગુજરાતમાંથી આવો પ્રથમ કિસ્સો ઝડપ્યો છે.
પશ્ર્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળ્યા બાદ ભુજમાં આવેલી દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાં દસ્તાવેજો અને સ્ટેમ્પ અંગે તપાસ કરાતાં નકલી પી.યુ.સી સર્ટિફિકેટ વેચવાનું કારસ્તાન ચાલતું હોવાની વાત બહાર આવતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ખોટા રબર સ્ટેમ્પ તથા પી.યુ.સી સર્ટિફિકેટ મળી આવતાં પોલીસે જીગેશ કનુ વ્યાસ તથા શાહનવાઝ મહમંદ સુમરાની ધરપકડ કરી હતી. બન્ને પાસેથી તપાસ દરમિયાન પોલીસે વિવિધ રબર સ્ટેમ્પ તથા ૪૭૦૦થી વધુ કોરા ડુપ્લિકેટ પી.યુ.સી સર્ટિફિકેટ કબજે કર્યા હતા. જોકે, પોલીસની પ્રાથમિક તપાસમાં જ આ રીતે મુન્દ્રામાં પણ કૌભાંડ ચાલતું હોવાની માહિતીના પગલે અન્ય પોલીસની ટીમે પણ તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝડપાયેલા બન્ને શખસો સામે ગુનો નોંધી રિમાન્ડ મેળવી આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે અને અન્ય કયા વિસ્તારોમાં આવી પ્રવૃત્તિ ચાલી રહી છે તેની તપાસ કરશે અને અત્યાર સુધી આવા કેટલા સર્ટિફિકેટ તેમણે વેચ્યા અને કોને વેચ્યા તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી હતી.