પતંગ ચગાવતા ઉત્તરાયણનું પર્વ ઉડતા પક્ષીઓ માટે જીવલેણ ન બને તે માટે આઠ યુવાનો દ્વારા સેવા યજ્ઞ
કરુણા અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે, જે અંતર્ગત બ્રહ્મ ઉત્કર્ષ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ બચાવવા સાથે સાથે મૃત્યુ પામેલા પક્ષીઓને યોગ્ય રીતે જમીનમાં સન્માનભેર દફન કરી જીવ માત્ર માટે અનોખી સંવેદના પણ સમાજને સમજાય તેવી પહેલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ સંસ્થાન દ્વારા યુવાનોને કરુણા અભિયાન સાથે જોડવા એક વિશેષ પ્રયાસ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે પક્ષીઓને રેસ્ક્યુ કરીને લાવનારા સજાગ નાગરિકોને તેમણે પ્રશસ્તિ આપી સન્માનિત કર્યા હતા. આ સાથે જ આ સંસ્થા સાથે જોડાયેલા મૌલિક શુકલાએ આ અંગે જણાવતા કહ્યું હતું કે, “ઉતરાયણ આપણા સૌનું પ્રિય પર્વ છે, પરંતુ આ પર્વ એ કોઈ જીવના જોખમે આપણે ઉજવીએ એ યોગ્ય નથી. માટે સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ જ ઉત્સવ ઉજવતા પક્ષીઓને નુકસાન ન થાય તે આપણી સૌની જવાબદારી છે.”
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરી વિસ્તારની આ એક જ સ્વૈચ્છિક સંસ્થાના ૦૮ સભ્યો દ્વારા બે દિવસ સતત કાર્યરત રહી 15 ઈજા ગ્રસ્ત કબુતરોને રેસ્ક્યુ કરવા સાથે, 1 કુતરાની પગમાંથી દોરી કાઢી ડ્રેસિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી હતી. ઉપરાંત નાની નાની ઇન્જરી વાળા બાકીના કબૂતરની પ્રાથમિક સારવાર આપી મુક્ત કરયા હતાં. અને એક કબુતરનુ સારવાર દરમિયાન મૃત્યુ થતા દફનવિધિ કરી દરેક જીવ પ્રત્યે કરુણા સભર ભાવ રાખવાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.

