શનિવારે વાવોલમાં હેપ્પી યુથ ક્લબ દ્વારા “ત્રિવેણી આરોગ્ય” કાર્યક્રમનું આયોજન
Gandhinagar :
“ત્રિવેણી આરોગ્ય” અંતર્ગત સિદ્ધનાથ મહાદેવ ખાતે “સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ”, “સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ” અને “હેપ્પી સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ” યોજાશે.
હેપ્પી યુથ ક્લબ દ્વારા સેક્ટર-૨૨ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ અને ઇંડિયન રેડક્રોસ સોસાયટીની જિલ્લા શાખા અંતર્ગત કલોલ શાખાના સંયુક્ત ઉપક્રમે “ત્રિવેણી આરોગ્ય” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. “ત્રિવેણી આરોગ્ય” કાર્યક્રમ આગામી તા. ૨૮મી સપ્ટેમ્બર શનિવારે સવારે ૯ થી ૧૨ કલાક દરમ્યાન વાવોલમાં તળાવ સામે સ્થિત સિદ્ધનાથ મહાદેવના મંદિરના પ્રાંગણમાં યોજાશે જેમાં નિ:શુલ્ક “સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ”, “સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ” અને “હેપ્પી સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ”નું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમનું આયોજન વાવોલ વિસ્તાર વિકાસ સમિતિ તથા કમલાપુંજ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી કરવામાં આવ્યું છે. આ “ત્રિવેણી આરોગ્ય” કાર્યક્રમ દરમ્યાન હેપ્પી યુથ ક્લબ દ્વારા “હેપ્પી શિક્ષા પ્રોજેકટ” અંતર્ગત જરૂરિયાતમંદ વર્ગના ૫૦ બાળકોને વિના મુલ્યે “શૈક્ષણિક કીટ”નું વિતરણ કરવામાં આવશે.
સર્વ રોગ નિદાન કેમ્પમાં આયુર્વેદના નિષ્ણાત તબીબો દ્વારા વિના મુલ્યે વિવિધ રોગોનું નિદાન તથા જરૂર જણાય તો સારવારની સુવિધા પૂરી પાડવામાં આવશે. શિબિરમાં પેટના રોગો, શ્વાસ, ઉધરસ, કફ, સાંધાના દુખાવા, મણકાની તકલીફ, ડાયાબીટીસ, સ્થૂળતા, કાન-નાક-ગળા-આંખ-અને દાંતના રોગો, વ્યંધત્વ, ઉત્તમ સંતતિ, સગર્ભાવસ્થાની સમસ્યા સહિતના તમામ રોગો અંગે દર્દીઓને નિદાન તથા સારવાર અંગે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે તેમજ જરૂરિયાત મુજબ વિના મુલ્યે દવાઓ પણ આપવામાં આવશે.
આ કેમ્પનો મહત્તમ લાભાર્થીઓ લાભ લઇ શકે તે માટે હેપ્પી યુથ ક્લબ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આ સાથે અત્યારે વરસાદી માહોલ બાદ ફેલાયેલા તાવ-શરદી અને ડેન્ગ્યુ-સ્વાઇન ફ્લૂ જેવા વાવરને પગલે વાવોલ તથા આસપાસના વિસ્તારના નાગરિકોની આરોગ્ય સલામતીના હેતુસર વિના મૂલ્યે “સ્વાસ્થ્ય વર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ” કરવામાં આવશે. આ ઉપરાંત યુવાનોમાં સમાજ પ્રત્યે જવાબદારી અને સેવાની ભાવના ખીલે તેમજ કેન્સર અને થેલેસેમિયા જેવા ગંભીર રોગોની સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને મદદરૂપ થવાના આશાથી “હેપ્પી સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ શુભેચ્છા ભેટ આપી સન્માનવામાં આવશે. આ “ત્રિવેણી આરોગ્ય” કાર્યક્રમ દરમ્યાન હેપ્પી યુથ ક્લબ દ્વારા “હેપ્પી શિક્ષા પ્રોજેકટ” અંતર્ગત જરૂરિયાતમંદ વર્ગના ૫૦ બાળકોને વિના મુલ્યે “શૈક્ષણિક કીટ”નું વિતરણ કરવામાં આવશે.