થાઇલેન્ડના જજે ખીચોખીચ ભરેલી કોર્ટમાં છાતીમાં ગોળી મારી
બેંગકોક:
થાઇલેન્ડના એક ન્યાયાધીશે ખીચોખીચ ભરેલી અદાલતમાં ન્યાયતંત્રની ટીકા કરી, પોતાના ફૉનમાંના ફેસબુક દ્વારા તેનું સીધું પ્રસારણ કરીને છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાને મરતાં પહેલાં રાજાશાહીની ન્યાય પદ્ધતિની આકરી ટીકા કરી હતી અને હત્યાના અનેક આરોપીને છોડી દીધા હતા. તેમણે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલાંના પ્રવચનનું ફેસબુક પર સીધું પ્રસારણ પણ કર્યું હતું. ટીકાકારોએ જણાવ્યું હતું કે થાઇલેન્ડની અદાલતો શ્રીમંત અને શક્તિશાળી લોકોની તરફેણમાં વધુ ચુકાદા આપે છે, જ્યારે સામાન્ય નાના માણસોને હેરાન કરે છે. આમ છતાં, ન્યાયાધીશે ન્યાયતંત્રની આ રીતે જાહેરમાં ટીકા કરી હોવાનો કદાચ આ પ્રથમ બનાવ હતો.
યાલા શહેરની અદાલતના ન્યાયાધીશ કાનાકોમ પિંચાનાએ આત્મહત્યાની કોશિશ કરતા પહેલાં હત્યાના કેસના પાંચ આરોપીની દલીલની સુનાવણી કરી હતી. તેમણે આરોપીઓને છોડી દીધા હતા, ભ્રષ્ટાચારથી મુક્ત ન્યાયતંત્રની હિમાયત કરતું પ્રવચન આપ્યું હતું અને તે પછી બંદૂક કાઢીને પોતાની છાતીમાં ગોળી મારી હતી. ન્યાયાધીશે પોતાના ફૉન પરથી ફેસબુક પર કરેલા સીધા પ્રસારણમાં દેશની ન્યાય પ્રક્રિયાની જાહેરમાં ટીકા કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે કોઇને ગુનેગાર ઠેરવવા માટે વિશ્ર્વસનીય પુરાવાની જરૂર છે. હું એમ નથી કહેતો કે આરોપીઓ નિર્દોષ છે, પરંતુ ગુનો સાબિત કરવા માટે નક્કર પુરાવાની જરૂર હોય છે. ન્યાયની પ્રક્રિયા પારદર્શક હોવી જોઇએ અને કોઇને પણ બલિનો બકરો બનાવવો ન જોઇએ.
ન્યાય મંત્રાલયની કચેરીના પ્રવક્તા સૂર્યન હોંગવિલાઇએ જણાવ્યું હતું કે ડૉક્ટરોએ ઘાયલ ન્યાયાધીશની સારવાર કરી હતી અને હવે તેમની તબિયત સારી છે. આ ન્યાયાધીશે માનસિક તાણને લીધે પોતાને ગોળી મારી હતી. આમ છતાં, માનસિક તાણનું કારણ હજી સુધી જાણવા નથી મળ્યું.