ગાંધીજીએ આપઘાત કરવા શું કર્યું ? શાળાની પરીક્ષામાં પૂછાયો પ્રશ્ર્ન.
ગાંધીનગર :
જિલ્લાના માણસામાં સુફલામ શાળા વિકાસ સંકુલે તૈયાર કરાયેલા ધોરણ ૯ અને ૧૨ના ગુજરાતી વિષયના પ્રશ્ર્નપત્રમાં પેપર સેટર દ્વારા બે વિવાદાસ્પદ પ્રશ્ર્નો પૂછવામાં આવ્યા હતા જેમાં એક પ્રશ્ર્ન ધોરણ નવના પ્રશ્ર્નપત્રમાં ‘ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું હતું’ તેવો પ્રશ્ર્ન પૂછાયો હતો. જ્યારે ધો. ૧૨ના એક પ્રશ્ર્નપત્રમાં દારૂડિયાના ત્રાસ બાબતે પોલીસ વડાને અરજી લખવાની બાબત પૂછવામાં આવી હતી. આ બન્ને પ્રશ્ર્નોથી લોકોમાં રોષ ફેલાઈ ગયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગર જિલ્લામાં માણસા તાલુકાનાં આચાર્ય સંઘ દ્વારા પ્રશ્ર્નપત્રોની કામગીરી સુફલામ શિક્ષણ સંકુલ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. સુફલામ શાળા વિકાસ સંકુલ સંસ્થા દ્વારા શનિવારે ૧૨મી ઓક્ટોબરે ધોરણ નવ અને ધોરણ ૧૨ના ગુજરાતી વિષયની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્ર્નને લઈને વિવાદ વકર્યો હતો. ધોરણ-૯ના ગુજરાતી વિષયનાં પેપરમાં ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું ? તેવો પ્રશ્ર્ન પૂછ્યો હતો જ્યારે શાળાએ ધોરણ ૧૨ના પ્રશ્ર્ન પત્રમાં દારૂડિયાના ત્રાસ અંગેના પ્રશ્ર્નને સ્થિતિ વધારે તંગ બનાવી છે.
પરીક્ષામાં વિદ્યાર્થીઓને ૭૪ નંબરના પ્રશ્ર્નમાં અરજીના મથાળા હેઠળ પૂછાયેલા પ્રશ્ર્નમાં તમારા વિસ્તારમાં દારૂ વેચનાર અને દારૂડિયાઓનો ત્રાસ વધી ગયો છે તેની ફરિયાદ કરતો પત્ર જિલ્લા પોલીસ વડાને લખો. આ પ્રશ્ર્નો અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડનાં પ્રશ્ર્નપત્રનો નહીં પરંતુ ખાનગી પેપર સેટર પાસેથી તૈયાર કરાવેલા પ્રશ્ર્નપત્ર પરીક્ષા માટે ઉપયોગમાં લેવામાં આવે છે પરંતુ આ પ્રકારના પ્રશ્ર્નો પૂછવા તે યોગ્ય નથી. આવા પ્રશ્ર્નો કુમળા માનસના વિદ્યાર્થીઓમાં સાચા જ્ઞાનને બદલે દ્વિધા ઊભી કરે છે.