ગુજરાત

ગુજરાતમાં રોગચાળાનો કહેર: બે ડઝન લોકોનાં મોત

અમદાવાદ:

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લંબાતા મચ્છરજન્ય રોગચાળો વકર્યો હતો. રાજકોટ, જામનગર, ગાંધીનગર, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિત રાજ્યભરમાં પાંચ હજારથી વધુ ડેન્ગ્યૂ અને સાત હજારથી વધુ મલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. અમદાવાદમાં ડેન્ગ્યૂથી મેડિકલની વિદ્યાર્થિની સહિત કુલ ચાર લોકોનાં મોત નીપજ્યા હતા જ્યારે સૌથી વધુ જામનગરમાં ડેન્ગ્યૂથી મૃત્યુઆંક ૧૧ પહોંચી ગયો હતો. તો રાજકોટના ડીડીઓને વાઈરલ ફિવર હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે ભાજપના શંકરભાઈ ચૌધરીને અને તેમના પરિવારને પણ રોગચાળાની ઝપટમાં આવી જતાં રાજ્યનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું અને તબીબોની ટીમો બનાવી ડેન્ગ્યૂ અને મલેરિયા પ્રભાવી એરિયામાં કામે લાગી ગઈ હતી. જો કે અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના મહાનગરોમાં જ લગભગ બે ડઝનથી વધુ લોકોના ટૂંકા ગાળામાં જ મોત થઇ ચૂક્યા છે.

રાજ્યમાં સતત વરસાદ વાદળછાયું વાતાવરણ તેમજ ઠેર ઠેર ગંદકીના ઢગલાને પગલે રાજ્યમાં ચાલુ વર્ષે ડેન્ગ્યૂ, મલેરિયા, કમળો, ટાઈફોઈડ જેવા રોગોમાં લોકો સપડાતાં જિલ્લાભરના આરોગ્ય કેન્દ્રો દર્દીઓથી ઊભરાઈ રહ્યા છે. અમદાવાદ, જામનગર, મહેસાણા, કચ્છ, ગાંધીનગર, રાજકોટ, અમરેલી, પાટણ સહિતના જિલ્લાઓમાં ડેન્ગ્યૂના રોગોએ ભરડો લીધો હતો. જ્યારે સોથી વધુ ડેન્ગ્યૂના ૧૨૦૦થી વધુ કેસ ફક્ત અમદાવાદમાં જ નોંધાયા હતા જેમાં ચારથી વધુના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયાને વાઈરલ ફીવર લાગુ પડતા હોસ્પિટલમાં દાખલ કરી સારવાર ચાલુ કરી દેવાઈ હતી. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર ડીડીઓની બે દિવસથી તબિયત ખરાબ હતી અને વાઈરલ ફીવર હોવાનું ધ્યાને આવતા આરામ કરવાની સલાહ અપાઈ હતી જેથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ડેન્ગ્યૂની શંકાએ તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પણ ડેન્ગ્યૂ નેગેટિવ આવ્યો હતો. રાજકોટમાં ચાલુ સિઝનમાં ૩૦૦થી વધુ ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. ત્યારે શુક્રવારે વધુ ૮ લોકોનો રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ આવ્યો હતો જ્યારે જામનગર પંથકમાં ડેન્ગ્યૂને ડામવામાં આરોગ્ય તંત્ર નિષ્ફળ રહ્યું છે. અત્યાર સુધીમાં ડેન્ગ્યૂએ ૯નો ભોગ લીધો હતો. ત્યારે મનીષાબેન (ઉ.વ.૨૨) નામની યુવતીને ડેન્ગ્યૂ પોઝિટિવ થતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં ડેન્ગ્યૂથી મૃત્યુઆંક ૧૦એ પહોંચી ગયો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x