૧ ડિસેમ્બરથી દેશના તમામ ટોલટેક્સ બુથ કેશ ફ્રી અને ફાસ્ટેગ ફરજિયાત.
દેશમાં ઇલેક્ટ્રોનિક ટોલને પ્રોત્સાહન આપવા અને પ્રવાસીઓની સુવિધા વધારવા સરકાર દેશના તમામ નેશનલ હાઇવે પર આવેલા ટોલનાકાને કેશ ફ્રી કરવા જઇ રહી છે. નેશનલ હાઇવે પરના ટોલનાકા પર ફાસ્ટેગ અથવા તો આરએફઆઇડી ફરજિયાત બની જશે.
પહેલી ડિસેમ્બરથી જો તમારા વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો તમારે બમણો ટોલટેક્સ ચૂકવવો પડશે. એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પહેલી ડિસેમ્બરથી દેશના તમામ ટોલનાકા કેશ ફ્રી થઇ જશે. દરેક વાહન માટે ફાસ્ટેગ હોવું ફરજિયાત બનશે. જે વાહન પાસે ફાસ્ટેગ નહીં હોય તેમને બમણો ટોલટેક્સ ચૂકવવો પડશે. વડા પ્રધાન મોદીએ ૨૧મી સદીના ઇન્ફ્રાસેક્ટરની વાત કરી હતી. હવે પહેલી ડિસેમ્બરથી વાહનોને ટોલનાકાઓ પર રોકાવાની જરૂર પડશે નહીં.
ગડકરીએ જણાવ્યું હતું કે, અમે વાહનધારકોને ફાસ્ટેગ વિનામૂલ્યે આપી રહ્યાં છે. પહેલી ડિસેમ્બર સુધી એનએચએઆઇના દરેક ટોલ નાકા પર ફાસ્ટેગ વિના મૂલ્યે આપવામાં આવશે. સરકાર તમારા માટે રૂપિયા ૧૫૦ની સિક્યોરિટી ડિપોઝિટ જમા કરાવશે. પહેલી ડિસેમ્બર બાદ જો વાહનમાં ફાસ્ટેગ નહીં હોય તો તેને બમણો ટોલ ટેક્સ ચૂકવવો પડશે. નેશનલ હાઇવે પર આવેલા કુલ ૫૩૭ ટોલ પ્લાઝામાંથી ૧૭ને બાકાત રાખતાં તમામ ટોલ પ્લાઝા ફાસ્ટેગ થઇ જશે.
ગડકરીએ જણાવ્યું હતું કે, દરરોજ ૧૮ લાખ ફાસ્ટેગ વહેંચવામાં આવી રહ્યાં છે. અત્યારે ટોલપ્લાઝા પરથી ફાસ્ટેગ લેનારને ૩૯ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અમે રાજ્ય સરકારો સાથે પણ વાત કરી રહ્યાં છીએ. અમે આ યોજનામાં ૨૩ બેન્કોને સામેલ કરી છે. તમામ આરટીઓ પર પણ ફાસ્ટેગનું વેચાણ થઇ રહ્યું છે. એમેઝોન પર પણ ફાસ્ટેગ ઉપલબ્ધ છે.
સરકારની ફાસ્ટેગ યોજના
૧. નેશનલ હાઇવેના ટોલનાકા પર વિનામૂલ્યે અપાય છે
૨. રોજના ૧૮ લાખ ફાસ્ટેગ વહેંચવામાં આવી રહ્યાં છે
૩. ટોલ પ્લાઝા પરથી ફાસ્ટેગ લેનારને ૩૯%નું ડિસ્કાઉન્ટ
૪. તમામ આરટીઓ ખાતે ફાસ્ટેગનું વેચાણ જારી
૫. ૨૩ બેન્કોને ફાસ્ટેગ યોજના સાથે સાંકળી લેવાઈ