આજે સાંજે ૭ વાગે શિવસેના-NCP-કોંગ્રસ નું શક્તિ પ્રદર્શન, રાજ્યપાલ ને પણ નિમંત્રણ
મુંબઈ
સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપ-અજિત પવારને સરકાર બનાવવા માટે આપેલા આમંત્રણ મામલે આજે પોતાનો ચુકાદો આવતી કાલ માટે અનામત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટ કાલે સવારે 10.30 વાગે ચુકાદો આપશે. જેથી કરીને ભાજપ-અજિત પવારને ઓછામાં ઓછું એક દિવસની તો રાહત મળી જ ગઈ. આ બાજુ શિવસેના, એનસીપી અને કોંગ્રેસે રાજ્યપાલ ભવનમાં વિધાયકોનો પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો છે. તે પહેલા જ પોતાની તાકાત દર્શાવવા માટે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ પોત પોતાના વિધાયકોની પરેડ કરાવવા જઈ રહ્યાં છે. ત્રણેય પક્ષના 162 ધારાસભ્યોની આજે સાંજે સાત વાગે પરેડ થવાની છે. હોટલ ગ્રેન્ડ હયાતમાં આ ધારાસભ્યોની પરેડ કરાવવામાં આવશે. અત્રે જણાવવાનું કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપી પોત પોતાના વિધાયકો પર નજર રાખી રહ્યાં છે.
શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે આજે ટ્વીટ કરીને કહ્યું કે અમે બધા એક છીએ. તમે અમારા 162 ધારાસભ્યોને પહેલીવાર હયાત હોટલમાં સાંજે 7 વાગે જોઈ શકશો. સૂત્રોના જણાવ્યાં મુજબ પરેડ કરાવવાનો નિર્ણય ત્રણેય પાર્ટીઓના નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. સંજય રાઉતે પોતાની ટ્વીટમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને પણ ટેગ કર્યા છે. તેમણે લખ્યું છે કે આવો અને અમને એક સાથે તમે જોઈ શકો છો.
વિધાયકોની પરેડ કરાવીને તેઓ સાબિત કરવા માંગે છે કે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપની સરકાર અલ્પમતમાં છે. જો કે અહીં એ સ્પષ્ટ કરવું કે હોટલમોમાં કે બીજે ક્યાય પરેડ કરાવવાથી કશું થતું નથી. વિધાનસભામાં બહુમત સાબિત કરવા પર બધો મદાર હોય છે. કહેવાય છે કે શિવસેનાના 56, કોંગ્રેસના 44 અને એનસીપીના 54 ધારાસભ્યોમાંથી 51 હોટલમાં હાજર છે. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના અને કેટલાક અપક્ષ ધારાસભ્યો પણ તેમના પક્ષમાં છે.