મહારાષ્ટ્ર: ઉપ મુખ્યમંત્રી બનતા જ 70 હજાર કરોડના કૌભાંડના 9 કેસ બંધ
મુંબઈ
મહારાષ્ટ્ર સરકાર ગઠન ને લઈને ચાલી રહેલો ઘટના ક્રમ નવા વળાંકો વળી રહ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ અને કાકા શરદ પવાર સાથે બળવો પોકારીને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી બનેલા અજિત પવારને હવે તેનો ફાયદો મળવાનું શરૂ થઈ ગયું છે. ડેપ્યુટી સીએમ બનતા જ અજિત પવાર વિરુદ્ધ ભ્રષ્ટાચારના અનેક કેસ બંધ કરી દેવાયા છે. એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ અજિત પવાર વિરુદ્ધ નોંધાયેલા 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડના 9 કેસ બંધ કરી દીધા છે. જો કે હજુ પણ સિંચાઈ કૌભાંડમાં 11 કેસ દાખલ છે. મહારાષ્ટ્રમાં લગભગ 70 હજાર કરોડના સિંચાઈ કૌભાંડમાં અજિત પવાર આરોપી હતાં. ડેપ્યુટી સીએમ બન્યાના ગણતરીના કલાકોમાં અજિત પવાર સંલગ્ન કેટલાક કેસો બંધ કરી દેવાયા છે.
શનિવારે સવારે જ્યારે અચાનક જ અજિત પવારે પાર્ટી સાથે બળવો પોકારીને ભાજપ સાથે હાથ મિલાવ્યા હતાં તો રાજકીય ભૂકંપ આવી ગયો હતો અને બધા વિચારવા માંડ્યા હતાં કે આખરે તેમણે આ નિર્ણય કેમ લીધો. હકીકતમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનમાં સરકાર બનાવવાની કોશિશમાં અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની વાતો થઈ રહી હતી. આવામાં તેમનું ભાજપ સાથે જવું બધા માટે ચોંકાવનારું હતું. હવે ભાજપ સાથે ગયાના ગણતરીના કલાકોમાં તેમના વિરુદ્ધ દાખલ કેસો બંધ થઈ રહ્યાં છે. તેનાથી તસવીર સ્પષ્ટ થઈ રહી છે કે આખરે તેમણે આટલો મોટો રાજકીય નિર્ણય શાં માટે લીધો હતો.