થાનગઢકાંડઃ ઉપવાસનો અંત આવ્યો, કરાઈ SITની રચના
2012ની સાલમાં થાનગઢમાં ભરવાડ અને દલિત વચ્ચે થયેલી જૂથ અથડામણમાં થયેલ પોલીસ ફાયરિંગમાં ત્રણ દલિત યુવાનનાં મોત નીપજ્યાં હતાં. થાનગઢમાં માર્યા ગયેલા મેહુલ રાઠોડના પરિવાર દ્વારા સાચી ન્યાયિક તપાસની માંગ સાથે ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠા હતા. બનાવની ઉચ્ચસ્તરીય તપાસ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ SIT (સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ)ની રચનાનો આદેશ આપતા પરિવારજનોએ પારણાં કર્યાં હતાં. SITમાં સુરત શહેર ઝોન-૨ ડીસીપી પરીક્ષિતા રાઠોડ, રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પોરબંદર એસપી તરુણકુમાર દુગ્ગલ તપાસ કરશે.
આ હત્યાકાંડમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે દલિત પરિવાર ઉપવાસ પર બેઠો હતો. જેમને મંત્રી આત્મરામ પરમારે મનાવીને શુક્રવારે રાત્રે પારણાં કરાવ્યાં હતા અને સીટની રચના કરીને તપાસ કરાવવાની ખાતરી આપી હતી. ન્યાયિક કાર્યવાહી ડેઝિગ્નેટેડ કોર્ટ દ્વારા ચલાવવાનો સરકારે નિર્ણય લીધો છે. ઉપરાંત કેસ ચલાવવા માટે ખાસ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરાશે. થાનગઢ ફાયરિંગ કેસના પ્રત્યેક મૃતકના પરિવારજનોને અગાઉ મળેલી સહાય ઉપરાંત મુખ્યપ્રધાન રાહતનિધિમાંથી વધારાના બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરાઈ છે.