કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે માણસા ખાતે રૂ.267 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ગાંધીનગર,
માણસા આર્ટસ કોલેજ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના હસ્તે રૂ.267 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે માણસાના નગરજનોને શુભેચ્છાઓ પાઠવી જણાવ્યું હતું કે, માણસા ભૌગોલિક રીતે વિશિષ્ટતા ધરાવતો વિસ્તાર છે, તેના વિકાસ માટે રૂપિયા 235 કરોડના ખર્ચે અંબોડ બેરેજ બનાવવામાં આવી રહ્યો છે. અંબોડ બેરેજથી ભૂગર્ભ જળમાં વધારો થતા ગોજારીયા અને માણસા સુધીના ખેડૂતોને ખેતીમાં ફાયદો થશે. આ સાથે જ ફ્લોરાઇડવાળા પાણીથી ભાવિ પેઢીને નુકસાન થતું અટકશે. સાબરમતીના નિર્મળ જળ બોર મારફત લોકોના ઘર સુધી પહોંચવાથી તેમના આયુષ્યમાં વધારા સાથે લોકોને ગુણવત્તાયુક્ત પાણી મળશે. આ જ પ્રકારે રામપુર-માણસા મતવિસ્તારના છેડે રૂ. 260 કરોડના ખર્ચે બીજો બેરેજ અને ગાંધીનગરમાં ત્રીજા બેરેજના બન્યા બાદ ગાંધીનગર થી મહુડી સુધીના સાબરમતીના પટને પણ જોડી દેવામાં આવશે. આમ સમગ્ર વિસ્તારમાં 12 મહિના સાબરમતીનું પાણી ભર્યંફ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ધરોઈ કમાન્ડથી નર્મદાનું પાણી પણ માણસાના ગામડાઓ સુધી પહોંચશે.
માણસામાં રૂ.250 કરોડના ખર્ચે ઉત્તમ કક્ષાની નવી સિવિલ હોસ્પિટલ બની રહી છે. જેમાં 11 માળમાં તમામ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવશે. 2030 સુધીમાં આ હોસ્પિટલ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવતા માણસાના એક પણ દર્દીને સારવાર માટે બહાર જવાની જરૂર નહીં રહે. આ સાથે જ હોસ્પિટલના જ સંકુલમાં આગામી સમયમાં મેડિકલ કોલેજની સુવિધાનું નિર્માણ પણ કરવામાં આવશે તેમ કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, માણસામાં વ્યાપાર અને લોકોની અવરજવર વધારવા માટે રસ્તાનું નેટવર્ક વિકસાવવામાં આવી રહ્યું છે. જેમાં રૂ. 110 કરોડના ખર્ચે માણસાથી કલોલ અને રૂ.80 કરોડના ખર્ચે માણસાથી ગાંધીનગર ફોરલેન રોડ બનાવવામાં આવ્યાં છે. આ જ રીતે આગામી દિવસોમાં રૂ. 110 કરોડના ખર્ચે માણસા થી પીલવાઈ હાઈવે અને રૂ. 100 કરોડના ખર્ચે બાલવા થી ગોજારીયાના ફોર લેન રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ રોડની કામગીરી પૂર્ણ થતા માણસાની આસપાસના દરેક કનેક્ટિવિટી રોડ ફોર લેન બનશે.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્રમાં રમત ગમતનું સુંદર વાતાવરણ અને સુદ્રઢ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યનું અમદાવાદ શહેર વિશ્વનું ધ્યાનાકર્ષક સ્પોર્ટ્સ હબ સીટી તરીકે ડેવલપ થઈ રહ્યું છે. 2030 માં કોમનવેલ્થ અને અન્ય રમતો માટે 117 દેશના ખેલાડીઓ ગુજરાત આવશે. રમત ગમતના માળખાને વધુ બહેતર બનાવવા સાથે 2036માં ઓલમ્પિક માટે પણ તૈયારીઓ કરવામાં આવશે. ત્યારે માણસામાં આજે લોકાર્પિત થતા સ્પોર્ટ્સ સંકુલમાં વધુ 15 કરોડના ખર્ચે સંપૂર્ણ સ્પોર્ટ્સ સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જેનો માણસાના ખેલાડીઓ, શાળાના બાળકો લાભ લઇ ગુજરાતનું ભારત અને વિશ્વ સ્તરે નામ ઉજ્જવળ થાય તેવો પુરુષાર્થ કરે તેવી અભ્યર્થના તેમણે વ્યક્ત કરી હતી.
અત્યાધુનિક ફાયર સ્ટેશન નવા સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનની માણસને ભેટ મળી છે ત્યારે ચાર વર્ષમાં સાતત્યપૂર્ણ પ્રયાસથી 13 તળાવો ને જોડી તેમાં બારેમાસ પાણી ભરેલું રહે તેવા સુંદર તળાવોના નિર્માણની કામગીરી કરવામાં આવી રહી છે. 2 ઓવર હેડ ટાંકી પંપ હાઉસ પોલીસ વેસ્ટ મેનેજમેન્ટના પ્લાનની યોજનાથી માણસા વધુ સુંદર બનશે તેમ જણાવી કેન્દ્રીય મંત્રીશ્રીએ માણસાના નગરજનોને નગરને સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
કેન્દ્રીય મંત્રી શ્રી શાહે “સોમનાથ સ્વાભિમાન પર્વ” ના પ્રારંભ વિશે જણાવતા કહ્યું હતું કે, 1000 વર્ષની સનાતન આસ્થા, સ્વાભિમાનનું સ્વરૂપ આપણું સોમનાથ મંદિર છે. જ્યાં 16 વાર હુમલા થયા બાદ પણ આજે મંદિરની ગગનચૂંબી ધજા ભારતના વિશ્વાસ, આસ્થા અને ગૌરવનું પ્રતીક બની છે. આ સાથે જ તેમણે સોમનાથમાં ભવ્ય કોરિડોરના નિર્માણ વિશે પણ જણાવી સનાતન ધર્મના મૂળને ઊંડે સુધી લઈ જવા આગામી એક વર્ષ સુધી ઉજવવામાં આવનાર સોમનાથ સ્વાભિમાન પર્વમાં દેશના સર્વે નાગરિકોને જોડાવા અને 2047 સુધીમાં વિકસિત ભારત માટે યુવાનોને અગ્રસર થઈ, દેશને વિશ્વમાં દરેક ક્ષેત્રમાં પ્રથમ ક્રમે ઉચ્ચ શિખર સુધી પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
માણસા ખાતે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોના લોકાર્પણ પ્રસંગે, મહેસાણા ક્ષેત્રનાં લોકપ્રિય સાંસદશ્રી હરિભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,માત્ર માણસા વિસ્તારમાંજ નહીં પણ,આપણું રાજ્ય હોય કે દેશ દરેક ક્ષેત્રમાં થઈ રહેલા અવિરત વિકાસમાં જેમનો ફાળો છે, તેવા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં માણસા તાલુકાએ વિકાસની નવી દિશા મેળવી છે.
માણસામાં જે વિકાસ કાર્ય થઈ રહ્યા છે, અને વિકાસની જે વણથંભી વણઝાર મળી છે, તે કેન્દ્રીય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં મળી છે, તેમ જણાવી સાંસદ શ્રી એ આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહનો માણસાની જનતા વતી આભાર માન્યો હતો.
કાર્યક્રમ અંતર્ગત કોલેજ ટ્રસ્ટી શ્રી વી.એન.શાહ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી સહિત ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરતા જણાવ્યું હતું કે, માણસામાં જિલ્લા કક્ષાનું અને સૌથી વધુ સુવિધાજનક સ્પોર્ટ્સ સંકુલનું નિર્માણ થયું છે, ત્યારે આવનાર વર્ષોમાં યોજાનાર ઓલમ્પિક અંતર્ગત માણસાના બાળકો પણ હવે, આ સુવિધાના ઉપયોગથી સ્પોર્ટ્સમાં માત્ર આપણા વિસ્તાર કે જિલ્લાનું જ નહીં, પણ દેશનું નેતૃત્વ કરવા સક્ષમ બનશે.
માણસા ધારાસભ્ય શ્રી જે.એસ. પટેલે પણ આ તકે માણસાને મળેલી વિવિધ વિકાસ ભેટો અંગે ટૂંકમાં જાણકારી આપતા, માણસાના વિકાસમાં ગતિ લાવવા બદલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના આભાર માનતા ઉમેર્યું હતું કે, માણસા નગરપાલિકાને ‘ક’ માંથી ‘અ’વર્ગનો દરજ્જો પ્રાપ્ત થયો છે,તે પણ માણસાના પનોતા પુત્ર અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીને આભારી છે.
આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વ શ્રી અલ્પેશજી ઠાકોર, શ્રી બલરાજસિંહ ચૌહાણ,માણસાના તાલુકા પંચાયત પ્રમુખશ્રી ડો. પ્રિયંકા પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રી જ્યોત્સનાબેન વાઘેલા, પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી, અગ્રણી શ્રી અનિલ પટેલ, શ્રી રમેશભાઈ, શ્રી શશીકાંત પટેલ, કલેકટર શ્રી મેહુલ દવે તથા બહોળી સંખ્યામાં પદાધિકારીઓ-અધિકારીઓ અને માણસાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

