આ સ્માર્ટ સીટી અમદાવાદમાં ભર શિયાળે પડ્યા ભૂવા
અમદાવાદ
અમદાવાદની હદ વધારવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નવા નવા વિસ્તારોને ભેળવવામાં આવી રહ્યા છે. પરંતુ જે વિસ્તાર કોર્પોરેશનમાં છે તે વિસ્તારની પણ સંભાળ કોર્પોરેશન રાખી શકતુ નથી.અને ભરશિયાળે શહેરના વિસ્તારોમાં ભૂવા પડી રહ્યા છે. આમ તો ભૂવાનું ભૂત ચોમાસામાં જોવા મળે. પરંતુ અમદાવાદમાં રોડ બનાવવામાં જે પ્રકારે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેને કારણે હવે શહેરમાં ગમે ત્યારે ભૂવા પડતા જોવા મળે છે. ગુરુવારે હાથીજણ રિંગરોડ સર્કલ પાસે અને જમાલપુર વિસ્તારમાં ભૂવો પડ્યો. જેમાં જમાલપુરમાં શાકમાર્કેટ પાસે ભૂવો પડ્યો છે. આ માર્ગ સુપ્રસિધ્ધ જગન્નાથ મંદિર તરફ પણ જાય છે. ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર ભુવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
શહેરમાં ભુવા પડી રહ્યા છે. પરંતુ તંત્ર તેને લઇ ગંભીર લાગતું નથી. કોર્પોરેશન દર વખતની જેમ એક જ જવાબ આપે છે કે ડ્રેનેજ-પાણીની લાઇન જુની હોવાથી ભુવા પડે છે. તો એડીશ્નલ સીટી ઇજનેરનું કહેવુ છે કે રોડ સાત વર્ષ કરતા જુનો હોવાથી તેની માહીતી હાથવગી નથી. મોદી સરકાર ડીઝીટલાઇજેશનની વાત કરે છે. પરંતુ પાંચ વર્ષ પહેલા જે રોડ બન્યા હતા તેની માહીતી ઓન લાઇન નથી. તેને શોધવા માટે તંત્રને સમય લાગે તેવો જવાબ અધિકારી આપી રહ્યા છે. દર વર્ષે ભુવા પડવાની ઘટના જોવા મળે છે. પરંતુ કોર્પોરેશન કોઈ નક્કર પગલાં નહીં ભરતું હોવાથી ભુવા પાડવાનો સિલસિલો અટકતો નથી. ચાલુ વર્ષે પણ 60 થી વધુ ભુવા પડી ચુક્યા છે. આમ ભુવાનુ ભુત ધુણતુ રહે છે. પ્રજાની પરસેવાની કમાણી ખર્ચાઈ જય છે. લોકો હેરાન થાય છે.