કેવી રીતે ભણશે ગુજરાત..!! પુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પાઠ્ય પુસ્તકોની ચોરી..!!
આવી પરિસ્થિતિમાં શું રાજ્યની સરકારી શાળામાં બાળકોને પૂરતા પુસ્તકો મળ્યા હશે…?
ગાંધીનગર
વિકાસશીલ ગુજરાત પર કૌભાંડ ના છાંટા ઉડ્યા છે. વિકાસ વંતા ગુજરાત માં મળી રહેલી ખબર અનુસાર પુસ્તકોની ચોરી થઈ છે. ગાંધીનગર સ્થિત ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી રૂપિયા 42 લાખના પાઠ્ય પુસ્તકોની ચોરી થયાનું બહાર આવતા ચારેકોર ખળભળાટ મચ્યો છે. પરીક્ષાઓ, ખાતર અને અન્ય મામલે તો ઘણા કૌભાંડ સામે આવ્યા છે. આજે નવું પુસ્તકની ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. નવાઇની વાત તો એ છે કે આ ચોરી ગત મહિને 8મી નવેમ્બરનાં થઇ હતી. જે અંગે સેક્ટર 21ના પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી હતી, તેમ છતા કોઇ પગલા કે ફરિયાદ નોંધવામાં આવી નથી. સરકારી ઓફિસમાં આટલી મોટી ચોરી અને એ પણ પુસ્તકો કે જે સરકારી શાળામાં વિદ્યાર્થીઓને આપવાના હોય તે ગાયબ થતા પોલીસ કે સરકારે કેમ ગંભીરતા દાખવી નહીં તે અંગે અનેક સવાલો ઉઠ્યા છે.
મળેલી જાણકારી અનુસાર રૂપિયા 42 લાખના પુસ્તકોની ચોરી મામલે ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળના કર્મચારીઓએ પોલીસ સ્ટેશન, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિભાગના અગ્ર સચિવ, શિક્ષણ સચિવ, નિયામક અને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં પાઠ્ય પુસ્તક મંડળનાં અધિકારીઓ અને શિક્ષણ વિભાગનાં અધિકારીઓની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. તો એક ન્યૂઝ ચેનલ સાથે ની વાતચીતમાં ગોડાઉનના સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે ગોડાઉનમાં કોઇપણ સીસીટીવી કે લાઇટ નથી, એક ગેઇટ અને શટર તૂટેલા છે, આ અંગે અનેક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઇ પગલા લેવામાં આવ્યા નથી. ચોરી થયેલા 42 લાખના પુસ્તકો અહીંથી લઇ જવામાં એકથી વધારે ટ્રક અને અંદાજે દોઢ દિવસનો સમય લાગ્યો હશે. પરંતુ આવો કોઇ ટ્રક અમારા ધ્યાનમાં આવ્યો નથી. તો બીજી બાજુ ગાંધીનગર DySP એમ. કે રાણાએ પણ પુસ્તકો ગાયબ થયા અંગે અરજી મળી હોવાની વાત સ્વીકારી છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે શું રાજ્યની સરકારી શાળામાં બાળકોને પૂરતા પુસ્તકો મળ્યા હશે કે કેમ..? અને જો નહીં મળ્યા હોય તો કેવી રીતે ભણશે ગુજરાત, કેવી રીતે આગળ વધશે ગુજરાત…!