FSL રિપોર્ટમાં આંદોલનકારી વિદ્યાર્થીઓ ઠર્યા સાચા, હવે શું…….
ગાંધીનગર
બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ મામલે પરીક્ષાર્થીઓના વિવાદ બાદ SITની રચના કરવામાં આવી હતી. સરકાર દ્વારા રચવામાં આવેલી SITની તપાસને 10 દિવસ પૂર્ણ થઇ ગયા છે. FSL રિપોર્ટમાં આંદોલનકારી અને વિદ્યાર્થીઓએ આપેલા પેપર લીકના પુરાવા અને CCTV ફૂટેજ સાચા હોવાનું સામે આવ્યુ છે. જેને કારણે બિન સચિવાલયની પરીક્ષા રદ થઇ શકે છે.
SITના રિપોર્ટની ચકાસણી બાદ પરીક્ષા રદ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી લઇ શકે છે. આ અંગે સોમવારે મોટી જાહેરાત થશે.મહત્વપૂર્ણ છે કે SITની તપાસને 10 દિવસ પૂર્ણ થતા એક બેઠક મળી હતી. જેમાં FSL રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. બિન સચિવાલયની પરીક્ષામાં ગેરરિતી થતા હજારો પરીક્ષાર્થી પરીક્ષા રદ કરવાની માંગ સાથે ગાંધીનગરમાં ભેગા થયા હતા અને રાજ્યની રૂપાણી સરકાર સામે મોરચો કાઢ્યો હતો. પરીક્ષાર્થીઓની વહારે કોંગ્રેસ આવી હતી અને આ મુદ્દે વિધાનસભાનો ઘેરાવ કર્યો હતો.
પરીક્ષાર્થીઓના વિરોધને શાંત કરવા માટે સરકારે યોગ્ય તપાસ માટે SITની રચના કરી હતી. SITની ટીમે હવે તપાસ કરી મુખ્યમંત્રીને રિપોર્ટ સોપી દીધો છે. હવે 6 લાખ વિદ્યાર્થીઓની માંગ રંગ લાવે તેમ લાગી રહ્યું છે. બિન સચિવાલયની પરીક્ષાને રદ કરવાનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણી સોમવારે લઇ શકે છે.