મંથરગતિએ ચાલતા વિકાસના કામોને ઝડપથી પૂર્ણ કરવા તાકીદ
ગાંધીનગર,શનિવાર
ગતિશીલ ગુજરાતના પાટનગર ગાંધીનગર શહેર અને જિલ્લામાં જ વિકાસના કામો ગોકળ ગતિએ ચાલી રહ્યાં છે જેની સામે જિલ્લા વિકાસ અધિકારીએ લાલ આંખ કરી છે અને શાખા અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીઓની ખાસ બેઠક બોલાવીને વિકાસ કામોને વેગ આપવા માટે તાકીદ કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને ૧૪માં નાણાં પંચ કે જેની ગ્રાન્ટ ત્રણ મહિના પહેલાં આવી ગઇ છે પરંતુ હજુ સુધી ઘણા ગામોમાંથી કામોની દરખાસ્ત જ આવી નથી. ત્યાં તલાટીને સૂચના આપવા પણ કડકરીતે ડીડીઓએ કહ્યું હતું.
વિકાસની વાતો કરતી રાજ્ય અને કેન્દ્ર સરકારના ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ વિપરીત છે. ગ્રામ્ય તેમાં પણ ગાંધીનગર જિલ્લાના ગામોમાં છેલ્લા ઘણા વખતથી ટાર્ગેટ પ્રમાણે વિકાસ કામો પૂર્ણ થતાં નથી જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દેવાંગ દેસાઇએ શાખા અધિકારીઓ અને તાલુકા વિકાસ અધિકારીની ખાસ બેઠક બોલાવી હતી. જેમાં યોજનાકીય અને વિકાસલક્ષી કાર્યક્રમોને સપ્ટેમ્બર અંત સુધીમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે એટલું જ નહીં ૧૪ના નાણાં પંચની ગ્રાન્ટ ત્રણ મહિના પહેલાં આવી ગઇ છે. પરંતુ હજી સુધી ઘણા ગામોમાંથી વિકાસના કામોનોની દરખાસ્ત આવી નથી. ત્યારે આવા ગામોના તલાટીઓને બોલાવીને તેને સૂચના આપવા માટે તાલુકા વિકાસ અધિકારીને કડક રીતે કહેવામાં આવ્યું હતું. એટલું જ નહીં ખાતાકીય વિકાસના કામો સમયસર પૂર્ણ થતાં નથી. જેના કારણે વિભાગમાંથી ઠપકા પણ જિલ્લાની કચેરીએ મળે છે ત્યારે તાલુકા કક્ષાએ દર મહિને તમામ શાખાઓની બેઠક બોલાવીને વિકાસના કામોને પૂર્ણ કરવા માટે પ્લાનીંગ કરવા પણ ડીડીઓએ આદેશ આપ્યો છે.