મનપામાં 17 ગામ સમાવવાની દરખાસ્ત આવતા ઉઠ્યા વિરોધના સૂર
ગાંધીનગર
મહાનગર પાલિકાની હદ વધારવા માટે ગાંધીનગર તાલુકાના 17 ગામોને શહેરમાં સમાવવાની દરખાસ્ત મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ કરતા વિરોધના સૂર ઉઠ્યા છે. તાલુકા અને જિલ્લા પંચાયતની આવકને રૂંધવાનો તેમજ બિલ્ડરોના ઇશારે ખેડૂતોની બચેલી જમીન પચાવી પાડવાનો કારસો હોવાના આક્ષેપ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ મંગુબહેન ચૌધરીએ કરીને યોગ્ય નિર્ણય કરવા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. રાજયના પાટનગરને સોલાર સીટી કે વાઇફાઇ શહેર બનાવવામાં સરકારી તંત્ર ઉણું ઉતર્યું છે. ઉપરાંત ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવેલા સાત ગામોમાં પણ માળખાકિય સુવિધાઓ સુદ્દઢ કરવામાં આવી નથી.
ત્યારે ગાંધીનગર તાલુકાના 17 ગામોને ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવવાનો મનપાની સ્ટેન્ડીંગ કમિટીએ ઠરાવ કરતા લોકોમાં રોષ ઉઠી રહ્યો છે. મનપામાં 17 ગામોને સમાવવાની પાછળ બિલ્ડરોના ઇશારે ખેડૂતોની બચેલી જમીનને પચાવી પાડવાનો કારસો હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યો છે. વધુમાં હાલમાં જિલ્લા અને તાલુકા પંચાયતની આવક મર્યાદિત છે. તેમાં ગામોને શહેરમાં સમાવેશ કરીને તાલુકા અને જિલ્લા પંચાયતની આવકને કુંઠિત કરવાનો કારસો રચ્યો હોવાનો આક્ષેપ પણ જિલ્લા પંચાયતના પ્રમુખે કર્યો છે. અમદાવાદ શહેરમાં સમાવેલા ચાંદખેડા, મોટેરા સહિતની પ્રાથમિક અને આરોગ્યલક્ષી સેવાઓ પણ જિલ્લા પંચાયત ભોગવી રહ્યું છે. તેનો કોઇ જ નિર્ણય રાજ્ય સરકારે લીધો નથી ત્યારે 17 ગામોને શહેરમાં સમાવવાથી વિકાસ નામે મીડું રહેશે તેવો આક્ષેપ કર્યો છે.
ગાંધીનગર મનપામાં 17 ગામોને સમાવેશ કરીને ગ્રામજનો ઉપર વેરાનો બોજો પડતાં તેઓ આર્થિક રીતે પાયમાલ થઇ જશે. ગાંધીનગર મહાનગર પાલિકા પાસે હાલમાં સફાઇ સિવાય કોઇ જ કામગીરી નથી. ઉપરાંત સેક્ટરના આંતરીક રસ્તાઓ પણ રીસરફેસ કર્યા નથી. રાજ્ય સરકાર એક તરફ ગામોને સમૃદ્ધ કરવાની વાતો કરીને ગામોને તોડી નાંખવાનું કામ કરી રહી હોવાનો આક્ષેપ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ત્યારે હવે આ બાબતે સરકાર તરફથી કેવો પ્રતિભાવ મળે છે તે જોવાનુ રહેશે.