ગાંધીનગર
નવરાત્રીની ગુજરાતીઓ આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. લોકો ભાત-ભાતનાં પોશાક અને અવનવા ગરબા સાથે પૂરા નવ દિવસ માની આરાધના કરી ગરબા રમે છે. યુવાનોનો પ્રિય તહેવાર નવરાત્રી હવે આધુનિક બનતો જાય છે. પાર્ટી પ્લોટ, ક્લબમાં ડીજેનાં તાલે યુવાધન ઉલ્લાસથી ગરબા રમે છે. પણ આજે આપણે વાત કરવાની છે ગુજરાતનાં એવા એક મંદિર, એક ગામની જ્યાં નવરાત્રીની નોમ એટલે કે નવમા દિવસે માતાની પલ્લીમાં ઘીની નદીઓ વહે છે. દેશ-પરદેશથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર પલ્લીનાં દર્શન માટે ઉમટી પડે છે.
ચુસ્ત બંદોબસ્ત પણ અગાઉથી ગોઠવી દેવામાં આવે છે
ગુજરાતના પાટનગર ગાંધીનગર જિલ્લામાં આવેલું રૂપાલ વરદાયિની માતાની પલ્લીથી દેશ-વિદેશમાં જાણીતું બન્યું છે. નવરાત્રીમાં નોમનાં દિવસે વરદાયિની માતાને ઘીનો અભિષેક કરવામાં આવે છે. નોમનાં દિવસે આજુબાજુ તેમજ ગુજરાત અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો માતા-પલ્લીના દર્શને આવે છે. ગાંધીનગરથી પંદર કિલોમિટર દુર જતાં રાધેજાથી ચાર કિ.મિ.દુર ડાબી બાજુએ વરદાયિની માતાજીનું મંદિર અને જમણી બાજુએ રૂપાલ ગામ આવેલું છે. જ્યાં માં વરદાયિની વરદ મૂર્તી આબેહુબ દર્શનીય છે. પલ્લીની વ્યવસ્થામાં આરોગ્ય, સુરક્ષા, ટ્રાફિક, પાણી અને વીજળી જેવી સમિતિઓ અગાઉથી કામે લાગી જાય છે. પલ્લીને ધ્યાનમાં રાખીને મંદિર અને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ અગાઉથી ગોઠવી દેવામાં આવે છે. છેલ્લા 13 વર્ષથી શ્રધ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.
ઘીની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો આ ઉત્સવમાં જોવા મળે
રૂપાલની પલ્લીમાં ગામમાં વસતાં અઢારેય વરણના લોકો સેવા આપે છે. માની પલ્લી તૈયાર થયા બાદ તેનું પૂજન અર્ચન કરીને મઘ્યરાત્રિએ ગામના લોકો પલ્લી રથનું પ્રયાણ કરાવે છે. વાજતે-ગાજતે પલ્લી ગામના 27 ચોક પસાર કરે છે. પલ્લીની રક્ષા કરતા ગામના રજપૂતો ખુલ્લી તલવારો સાથે પલ્લીની સન્મુખ પાછા પગે રખેવાળી કરે છે. પલ્લીના પાંચ કુંડામાં શ્રદ્ધાના પ્રતીકરૂપે ઘી હોમાતું હોય. ભાવિકો રીતસર જાણે ઘીથી સ્નાન કરતાં હોય અને ગામની શેરીઓ, રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો આ ઉત્સવમાં જોવા મળે છે. ચકલે ચકલે ઘીના દેગડા, દેગડીઓ, પીપ અને ટ્રેકટરની ટ્રોલી શુદ્ધ ઘીથી છલકાતી હોય છે. પલ્લીરથ ઉપર અભિષેક થયેલું ઘી માત્ર ગામના વાલ્મીકિ ભાઇઓને જ લેવાનો અધિકાર છે. તેઓ પ્રસાદીરૂપે મેળવેલું આ ઘી ગરમ કરીને ગાળીને કુટુંબ-કબીલામાં વહેંચે છે.
નાનાં બાળકોને પલ્લીરથની પ્રદિક્ષણા કરાવવામાં આવે છે
માના પલ્લી રથ ઉપર અસંખ્ય ફૂલો-શ્રીફળના હાર ચઢાવવામાં આવે છે. ગામના લોકો ચોખા, કંકુ અને શ્રીફળથી માને વધાવે છે. યુવકો પલ્લીરથ ઉપર ઘી ધરાવે છે. નાનાં બાળકોને પલ્લીરથની પ્રદિક્ષણા કરાવવામાં આવે છે, બાધાવાળાં બાળકોની લટ કાપવામાં આવે છે. આમ પૂરા ભક્તિભાવ સાથે માની પલ્લી નિજ મંદિરની નજદીક આવે છે. પલ્લી માની સન્મુખ મંદિરમાં પધરાવવામાં આવે છે. જયાં આરતી થાય છે, ગરબા ગવાય છે અને ભકતો પ્રસાદ લઇને વિખૂટા પડે છે.
વર્ષ 2015માં વરદાયિના માતાને 4.5 લાખ કિલો ઘીનો અભિષેક
વર્ષ 2015ની નવરાત્રીમાં માતાજીની પલ્લી ઉપર 4.5 લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો. જેની કિંમત અંદાજે 20 કરોડ થાય છે. પલ્લીનાં દિવસે સવારથી શ્રધ્ધાળુઓનાં ટોળા પાઉચ, ડોલચુ, બરણી, સ્ટીલની નળી અને 200થી 500 કિલો ઘી સમાય તેવા બેરલ લાવ્યાં હતાં. ઘી ભરેલા વાહનોની ગામમાં લાઇન લાગી હતી.
2014માં 4 લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો
વર્ષ 2014માં રૂપાલમાં ચાર લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો. આ દરમ્યાન રૂપાલનાં 1850 પશુપાલકો દ્વારા આસો સુદ નોમનાં 25 દિવસ અગાઉથી ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં અવાયુ હતું. રોજનાં 6 હજાર લીટર લેખે દોઢ લાખ લીટર દૂધ ભેગુ કરી ગ્રામજનો દ્વારા 30 હજાર કિલો ઘી બનાવી અભિષેકના ઉપયોગમાં લીધુ હતું.