ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો: ભાજપ ઉમેદવારો હોળી બાદ જાહેર કરશે
ગાંધીનગર
ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણીને પગલે ભાજપ પોતાના ઉમેદવારો હોળી બાદ જાહેર કરશે. ઉમેદવારી પત્ર ભરવાનો આખરી દિવસ 13 માર્ચ છે. ભાજપના ઉમેદવારો 10 માર્ચ બાદ જાહેર થશે. મળતી માહિતી પ્રમાણે ભાજપ પોતાના રાજ્યસભાના કોઈ પણ સાંસદને રિપીટ નહીં કરે. ભાજપ પાસે રાજ્યસભામાં ચુની ગોહિલ, લાલજી વડોદીયા અને શંભૂપ્રસાદ ટિડિયા છે. જેમની જગ્યાએ ભાજપ નવા ચહેરાને તક આપશે.
બીજી તરફ કોંગ્રેસ પોતાના જૂના જોગીઓના જ સથવારે ચૂંટણી જીતવાની વૈતરણી પાર કરવા ઉતરશે. કોંગ્રેસ પાસે હાલ મધુસુધન મિસ્ત્રી છે, જેની ટર્મ પૂર્ણ થવામાં છે. ગુજરાત કોંગ્રેસમાંથી રાજ્યસભામાં હોય તેવા સાંસદોમાં અહેમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલ અત્યાર સુધીમાં કુલ 5 વખત રાજ્યસભા પહોંચ્યા છે. તો બીજી તરફ પોતાના ભાષણોના કારણે સત્તાધારી પક્ષની સમસ્યામાં વધારો કરતાં મધુસુદન મિસ્ત્રીને કોંગ્રેસ કોઈ કાળે ખોવા નથી માગતી. જેથી તેમને રિપીટ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
મધુસુદન મિસ્ત્રીની ગણતરી એવા નેતાઓમાં થાય છે જેમણે વડોદરામાં 2014ની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીને ટક્કર આપી હતી. રાજ્યસભાની ચૂંટણી માટે નોટિફિકેશ જાહેર થઈ ગયું છે. કમલમ ખાતે યોજાયેલી બેઠક બાદ ટીકીટ વાંછુકો એ જાણે કે લાઈન લગાવી હતી. તો કેટલાક નેતાઓએ પોતાના ટેકેદારોને ટીકીટ મળે તેના માટે પ્રયાસ તેજ કરી દીધા હતા.