નાગરીકો ઘરમાં રહીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરશે તો સંક્રમણ અટકાવી શકીશું : – આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ
આજે 6 નવા પોઝિટિવ કેસ નોંધાયા: અત્યાર સુધીના 69 પોઝિટીવ કેસ : 6 નાગરિકોના નિધન : આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ
ગાંધીનગર :
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ જણાવ્યું છે કે, રાજ્યના તમામ નાગરિકોને ઘરમાં જ રહીને લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરશે તો ચોક્કસ સંક્રમણ અટકશે તે માટે આપણે સૌએ સંયમ રાખવો અત્યંત અનિવાર્ય છે.
રાજ્યમાં કોરાના વાયરસની આજની અપડેટ વિગતો મીડિયાને આપતા ડો.રવિએ કહ્યું કે, રાજ્યમાં આજે 6 નવા પોઝીટીવ કેસો નોંધાયા છે. જે સાથે રાજ્યમા કુલ 69 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે જેમાં અમદાવાદમાં 23, સુરતમાં 8, રાજકોટમાં 9, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2 અને કચ્છ, મહેસાણા, પોરબંદર પ્રત્યેકમાં એક-એક કેસ પોઝિટિવ છે. આ તમામ પૈકી 59 દર્દીઓ સ્ટેબલ છે. અને બે દર્દીઓ વેન્ટિલેટર પર છે. દુર્ભાગ્યવશ કોરાના રોગના કારણે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ છ નાગરિકોના નિધન થયા છે જેમાં અમદાવાદમા 3, ભાવનગરમાં ૨ અને સુરતમા ૧ નાગરિકનુ નિધન થયું છે.
ડો. રવિ ઉમેર્યું કે આજે જે પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં અમદાવાદના એક ૩૮ વર્ષના પુરુષનો કેસ છે. જે અમેરિકાના વિદેશ પ્રવાસની હિસ્ટ્રી ધરાવે છે એજ રીતે ભાવનગરના ચાર પુરુષ અને એક મહિલાનો કેસ છે જે લોક્લ ટ્રાન્સમિશન ધરાવે છે. રાજ્યમાં બે દર્દીઓને 14 દિવસનો કોરંટાઇન પૂર્ણ થતા તેમના પ્રોટૉકોલ મુજબ પુન:ટેસ્ટ કરતાં નેગેટિવ આવ્યા છે તેમને ડિસ્ચાર્જ પણ આપી દેવાયુ છે.
તેમણે કહ્યું કે હાલ 18,701 હોમ કોરંટાઇન, 744 સરકારી, 172 ખાનગી મળી કુલ 19,617 લોકો કોરંટાઇન હેઠળ છે. રાજ્યમા હોમ ટૂ હોમ અને ટેલીફોનિક સર્વેલન્સ હેઠળ અત્યાર સુધીમાં 5.90 કરોડ નાગરિકોનું સર્વેક્ષણ – ટ્રેકિંગ પૂર્ણ કરેલ છે.
તેમણે ઉમેર્યું કે અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, ભાવનગર અને ગાંધીનગર સહિતના શહેરોમાં જે વિસ્તારોમા પોઝિટીવ કેસો મળ્યા છે તેને હોટ સ્પોટ ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટૉકોલ મુજબ સઘન સર્વેલન્સ હાથ ધરાયુ છે. જે વિસ્તારમા પોઝીટીવ કેસ નોંધાયા છે તેના ૩ કી.મીના પરિઘમા ક્લસ્ટર તરીકે ગણીને ક્લસ્ટર કન્ટેઇન સ્ટ્રેટેજી પ્રોટોકોલ મુજબ સઘન સર્વેલન્સ કરાશે. એ જ રીતે હોટ સ્પોટ નિયત કરાયા છે તેની પરીઘમા આવતા પાંચ કી. મી. વિસ્તારને બફર ઝોન તરીકે ટ્રીટ કરીને એના પેરામીટર મુજબ વધુ સઘન સર્વેલન્સ કરાશે. જેથી આ ચેપ આટલા વિસ્તારથી આગળ ન પ્રસરે.
તેમણે ઉમેર્યુ કે આ વિસ્તારોમા કોઈપણ પ્રકારની મૂવમેન્ટ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. આ દર્દીઓ સહિત તેમના ફેમિલી અને તેમના સંપર્કમાં આવેલા તમામ વ્યક્તિઓની ફરીથી ચકાસણી પણ કરવાનું શરૂ કરી દેવાયું છે. ઉપરાંત આ વિસ્તારોમાં જે નાગરીકો સરકારી કે ખાનગી તબીબો પાસે સારવાર લઇ રહ્યા છે તેમની માહિતી મેળવીને તેમના પણ ટેસ્ટિંગ કરવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. આવા વિસ્તારોમા વસતા વૃદ્ધ અને વયસ્કોનું પરિક્ષણ કરી ખાસ કાળજી લેવાશે.
ડોક્ટર રવિ ઉમેર્યું કે, થેલેસેમિયાના દર્દીઓ તથા કેન્સરના દર્દીઓને સારવાર સહિત બ્લડની સુવિધાઓ મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ટેલીફોનિક સમિક્ષા મારી સાથે કરીને તેમની પૂરતી તકેદારી રાખવા પણ જણાવ્યું છે,એટલે થેલેસેમિયાના દર્દીઓને સમયસર બ્લડ સહિતની સારવાર માટે ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અમદાવાદ સાથે જરૂરી સંકલન પણ કરવામાં આવ્યું છે. જેના પરિણામે રેડ ક્રોસ દ્વારા ૭૫૬૭૧ ૧૬૬૧૧ એક ટોલ ફ્રી નંબર પણ કાર્યરત કરાયો છે એ જ રીતે કેન્સરના દર્દીઓ માટે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ખાતે પણ ૦૭૯ ૨૨૬૮૮૦૨૮ નંબર પર સંપર્ક કરવા જણાવાયુ છે જેથી યોગ્ય સારવાર પૂરી પાડી શકાય.
ડો. રવિએ ઉમેર્યું કે કોરોના વાયરસના અત્યાર સુધીમાં કુલ ૧૨૮૪ સેમ્પલ લેવાયા હતા જેમાંથી ૧૨૭૫નું ટેસ્ટિંગ કરાયું છે તે પૈકી ૬૯ પોઝિટિવ અને ૧૨૦૬ નેગેટિવ તથા ૯ પેન્ડિંગ છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાની પીપીઈ કિટ, માસ્ક અને દવાઓનો જથ્થો તમામ રાજ્યોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પર્યાપ્ત પ્રમાણમાં દવાઓનો જથ્થો ઉપલબ્ધ છે એટલે કોઈએ ગભરાવવાની જરૂર નથી.