મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ. ર૭ કરોડનું ભંડોળ કોરોના સામે લડવાના ફંડ-દાન સહાય પેટે આવ્યું
ગાંધીનગર :
વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસને વ્યાપક પ્રસરતો અટકાવવાની સતર્કતા રૂપે દેશવ્યાપી ર૧ દિવસના લોકડાઉનમાં ગુજરાતમાં પ્રજાજનો – નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ, સેવાઓ સુચારૂ રૂપે મળી રહ્યા છે
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે રાજ્યમાં લોકડાઉનના ૬ઠ્ઠા દિવસની પરિસ્થિતીની વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ લોકડાઉનની આ સ્થિતીમાં નિરાધાર, વૃદ્ધ, નિ:સહાય અને એકલવાયું જીવન જીવતા તથા શ્રમિકો, કામદારોને બે ટાઇમ પુરતું ભોજન મળી રહે તે હેતુસર સ્થાનિક જિલ્લાતંત્રોને સેવા સંગઠનો સાથે સંકલન કેળવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા પ્રેરિત કરેલું છે
આ સંદર્ભમાં સમગ્ર રાજ્યમાં આવા લોકોને ફૂડપેકેટસ-ભોજન વિતરણની વ્યવસ્થા અંતર્ગત સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૮ લાખ ૯પ હજાર ફૂડપેકેટસનું વિતરણ થયું છે. સોમવારના એક જ દિવસમાં ર.૭૦ લાખ આવા ફૂડ પેકેટસ જરૂરતમંદ વ્યકિત-પરિવારોને અપાયા છે
રાજ્યના ૮ મહાનગરોમાં મહાનગરપાલિકાઓએ સ્વૈચ્છિક સંગઠનો અને સેવાભાવી દાતાઓના સહયોગથી આવા ૧ લાખ ૮ હજાર ફૂડ પેકેટ સોમવાર એક જ દિવસમાં વિતરીત કરેલા છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું
મુખ્યમંત્રીશ્રીના સચિવે કહ્યું કે, પ્રજાજનો – નાગરિકોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ અને આવશ્યક સેવાઓ સરળતાએ મળી રહે તે માટે ફેરિયાઓ, નાના વેપારીઓ, આવશ્યક સેવાના શ્રમિક કર્મીઓ સહિત ૧.પ૯ લાખ વ્યકિતઓ માટે પાસ સંબંધિત સ્થાનિક તંત્ર વહિવટી તંત્ર તરફથી ઇસ્યુ કરવામાં આવ્યા છે.
વિશ્વવ્યાપી આ મહામારી સામે લડવા માટે જરૂરી ફંડ ઊભું કરવા મુખ્યમંત્રીશ્રી રાહતનિધિમાં જનતા જનાર્દનને ફાળા-યોગદાન માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરેલી અપિલનો વ્યાપક પ્રતિસાદ આપતાં સોમવાર બપોર સુધીમાં આ નિધિમાં ર૭ કરોડ રૂપિયાની રાશિ સ્વૈચ્છિક દાતાઓ, ધર્મસંગઠનો, સેવાવ્રતીઓએ જમા કરાવી છે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આપી હતી.
શ્રી અશ્વિનીકુમારે રાજ્યમાં દૂધ-શાકભાજી-ફળફળાદિ વગેરેના પુરવઠાની ઉપલબ્ધિની વિગતો આપતાં ઉમેર્યુ કે, સોમવારે રાજ્યના નાગરિકોને ૪૪.૮ર લાખ લિટર દૂધનું વિતરણ થયું છે.
દૂધ ઉપરાંત દૂધની અન્ય બનાવટ-મિલ્ક પ્રોડકટસનો જથ્થો પણ પર્યાપ્ત માત્રામાં છે તેની છણાવટ કરતાં તેમણે કહ્યું કે, ૮૧૦૦ મે.ટન બટર-માખણ, ૩રપ૦૦ મે.ટન મિલ્ક પાવડર, ૧૧૦ મે.ટન પનીર અને ૩૭પ મે.ટન ચીઝ અત્યારે ઉપલબ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, રાજ્યમાં શાકભાજી અને ફળફળાદિ પણ બેરોકટોક નિયમીતપણે આવતા રહ્યા છે.
સોમવારે રાજ્યમાં ૧ લાખ ૭ હજાર ૪૪૦ કવીન્ટલ શાકભાજીનો આવરો થયો છે તેમાં, ર૧૮૯પ કવીન્ટલ બેટેટા, રપ૪૭ર કવીન્ટલ ડુંગળી, ૧૦૬૭૮ કવીન્ટલ ટામેટા અને ૪૯૧૭૬ કવીન્ટલ અન્ય લીલા શાકભાજી આવ્યા છે.
ચૈત્રી નવરાત્રિના પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત કરનારા લોકોને ફળફળાદિ પણ પૂરતી માત્રામાં મળી રહે છે. રાજ્યમાં આવા ૧પ૪૩૬ કવીન્ટલ ફળોની સોમવારે આવક થઇ છે તેમાં સફરજન ૭૮૦ કવીન્ટલ, કેળાં પ૬ર કવીન્ટલ અને અન્ય ફળો દ્રાક્ષ-ટેટી-તડબૂચ વગેરે ૧૪૦૯૩ કવીન્ટલ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકડાઉનની આ પ્રવર્તમાન સ્થિતીમાં રાજ્યના નાગરિકોને ત્વરાએ જરૂરી સહાયતા મળે તે માટે રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લાકક્ષાએ હેલ્પલાઇન ૧૦૭૭ કાર્યરત કરાવેલી છે.
આ હેલ્પલાઇનમાં ૧૦૭૦ને ૯૦૮ કોલ્સ અને ૧૦૭૭ – જિલ્લા હેલ્પ લાઇનને ૬૧૦૩ કોલ્સ અત્યાર સુધી મળ્યા છે.
આ મદદ માટેના બહુધા કોલ્સ મેડીકલ ફેસેલીટીઝ, દવાઓ, દૂધ, અનાજ, કરિયાણું તથા ખાદ્યસામગ્રી માટેની જરૂરિયાતના હોય છે અને આ સંબંધે જરૂરી કાર્યવાહી પણ તંત્ર હાથ ધરે છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે લોકડાઉનની પ્રવર્તમાન સ્થિતીમાં નાગરિકો-વ્યકિતઓને જીવનજરૂરી ચીજવસ્તુઓ વિના વિઘ્ને અને સરળતાએ મળી રહે તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ રાજ્ય સરકારે ગોઠવી છે અને તેનું નિયમતી મોનિટરીંગ પણ થાય છે.