અમદાવાદના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાને કોરોના પોઝિટીવ
ગાંધીનગર :
રાજ્યમાં કોરોના વાયરસ એ કહેર મચાવ્યો છે. કોરોના પોઝિટિવના દિન-પ્રતિદિન વધતા જાય છે ત્યારે આજે મુખ્યમંત્રી સાથે અમદાવાદના ત્રણ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. જેમાં જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. આજે તેમની તબિયત નાદુરસ્ત થતાં તેમનો રિપોર્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આજે સાંજે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર ભારતમાં કદાચ આવો પહેલો કેસ નોંધાયો છે. જેમાં ધારાસભ્યને કોરોનાનો ચેપ લાગ્યો છે. થોડા દિવસ અગાઉ આ ધારાસભ્ય તેમના વિસ્તારમાં કોરોનટાઇન કરાયેલા લોકોને સમજાવવા ગયા હતા. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો. જો કે હવે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદીપસિંહ જાડેજા અને બેઠકમાં હાજર તમામના સુરક્ષાને લઈને ટેસ્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલ તો આ બેઠકમાં હાજર રહેલ મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી સહિત બેઠકમાં હાજર તમામ ના ધબકારા વધી ગયા છે. આ ધારાસભ્ય અગાઉ ઘણા લોકોના સંપર્કમા આવ્યા છે. તેમણે પત્રકાર પરિષદ પણ સંબોધી હતી. જેથી કેટલાક પત્રકારો પણ તેમના સંપર્કમાં આવ્યા હતા. સાથે જ કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ તેમના સંપર્કમાં આવેલા છે. આ ધારાસભ્ય જેના જેના સંપર્કમાં આવ્યા હશે તે તમામ લોકોનું ચેકઅપ કરવામાં આવે તેવી શક્યતા છે.