આરોગ્યગાંધીનગરગુજરાત

રાજ્યના નાગરિકોને કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે અપાશે : મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશવ્યાપી લોકડાઉન તા. ૩ મે-ર૦ર૦ સુધી લંબાયાની પ્રવર્તમાન સ્થિતીમાં ભારત સરકારે તા. ર૦ એપ્રિલથી સરકારી કચેરીઓ કાર્યરત કરવાના આપેલા દિશાનિર્દેશોને પગલે રાજ્ય સરકારની કચેરીઓ પણ આ દિશાનિર્દેશોના કેટલાંક નિયમોને આધિન રહીને ફરી કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ આ નિર્ણય સાથે જ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં જાહેર કર્યુ છે કે પ્રવર્તમાન કોરોના કોવિડ-19 વાયરસના સંક્રમણની સ્થિતીમાં રાજ્યના નાગરિકોને કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે આપવામાં આવશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તા. ર૦ એપ્રિલથી તા. ૩ મે સુધી સરકારની કચેરીઓ સિમીત સ્ટાફ સાથે ચાલુ રાખવા અંગે ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકારની કચેરીઓ પણ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ જે વિસ્તારમાં કોરોના વાયરસનું વ્યાપક સંક્રમણ થયું હોય તેવા જે વિસ્તારો હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયા છે તે વિસ્તારોમાં આવેલી કચેરીઓ ચાલુ કરાશે નહિ.

આ વિસ્તારોમાં વસ્તા કર્મચારી-અધિકારીઓને ફરજ પર આવવામાંથી મુકિત આપવામાં આવી છે. એ સિવાય રાજ્ય સરકારના તમામ વહિવટી વિભાગો-ખાતાના વડાઓ-કચેરીઓ નિયંત્રીત સિમીત સ્ટાફ સાથે સોશિયલ ડિસ્ટન્સીંગ નોર્મ્સ જાળવીને ચાલુ રાખવાની સૂચનાઓ મુખ્યમંત્રીશ્રીએ આપી છે.

તેમણે જણાવ્યું કે, કોવિડ-19 ચેપ વાયરસ સાથે સીધા સંકળાયેલા કર્મચારીઓ/અધિકારીઓ તેમજ કલેકટર, પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની આવશ્યક સેવાઓ, પોલીસ, અન્ન અને નાગરિક પુરવઠો, ગેસ, ઇલેકટ્રિકસિટી, પાણી પુરવઠા સાથે સંકળાયેલી સંલગ્ન કચેરીઓ વગેરે સેવાઓની કચેરીઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલું જ નહિ, વન વિભાગ હેઠળની કચેરી ઝૂ, નર્સરી, વાઇલ્ડલાઇફ સંબંધિત પ્રવૃતિ અંગે પણ ચાલુ રહેશે.

મુખ્યમંત્રીશ્રીએ એવો નિર્ણય કર્યો છે કે વર્ગ-૧-રના અધિકારીઓએ કામની જરૂરિયાતના આધારે તેમના ખાતા-વિભાગ કે કચેરીના વડાની સુચના મુજબ કચેરીમાં ઉપસ્થિત રહેવાનું થશે અને વર્ગ-૩ અને તેથી નીચેના કર્મચારીઓના સંબંધમાં ૩૩ ટકા સુધીનો સ્ટાફ ઉપસ્થિત રહે તે મુજબ વ્યવસ્થા કરવાની રહેશે તથા અન્ય અધિકારી – કર્મચારીઓએ વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે, એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.

આ સુચનાઓ સાથોસાથ સોશિયલ ડિસ્ટન્સીંગ અને કર્મચારીઓની આરોગ્ય સલામતિ માટે કેટલીક ચોક્કસ કાર્યવાહી પણ કરવાની રહેશે તેની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, કચેરીના હદ વિસ્તારમાં તમામ વિસ્તારોને, શરીરને હાનિકારક ન હોય તેવા, ચેપરહિત બનાવે તેવા માધ્યમો વડે ચેપરહિત બનાવવાના રહેશે અને આ કામગીરીમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/સત્તામંડળની મદદ લઇ શકાશે.

દરેક કચેરીના બધાં કર્મચારીઓએ કામના સ્થળે ફરજિયાતપણે માસ્ક/Face cover પહેરવાનું રહેશે અને વિસ્તારમાં પ્રવેશતા તમામ વાહનો અને યંત્રસામગ્રીને સ્પ્રે કરીને ચેપ રહિત બનાવવામાં આવશે.

કામના સ્થળે પ્રવેશતા અને ત્યાંથી વિદાય લેતાં દરેક વ્યકિતનું ફરજિયાત થર્મલ સ્કેનિંગ કરવાનું રહેશે. એટલું જ નહિ, પ્રવેશ તથા બહાર જવાના તમામ સ્થળોએ અને સહિયારા ઉપયોગના વિસ્તારને, હાથ ધોવાની અને સેનેટાઇઝરની વ્યવસ્થા કરવાની રહેશે.

લિફટ્સ અથવા હોઇટ્સમાં (lifts or hoists) ૨/૪ વ્યકિતઓ કરતા વધુ વ્યકિતઓને મુસાફરી કરવા દેવાશે નહિ તેમજ અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, તેમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.

શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ કે કામના સ્થળોએ બેઠક કરવાના પ્રસંગોમાં પાંચ અથવા તેથી વધુ વ્યકિત ભેગા ન થાય તેની તાકિદ કરવામાં આવી છે તેમજ બેઠકો વચ્ચે ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર રાખવાનું જણાવાયું છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસના રાજ્યમાં વધી રહેલા વ્યાપને પગલે અન્ય એક મહત્વનો નિર્ણય લઇને રાજ્યના તમામ નાગરિકોને કોવિડ-૧૯ અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલોમાં કોવિડ-૧૯ની સારવાર વિનામૂલ્યે અપાશે તેમ જાહેર કર્યુ છે.

મુખ્યમંત્રીશ્રીના સચિવે આ સંદર્ભમાં જણાવ્યું કે રાજ્ય સરકારે મહાનગરોમાં ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલ અને જિલ્લામથકોએ ૧૦૦ બેડની કોવિડ હોસ્પિટલ કોરોના દર્દીઓની સારવાર માટે કાર્યરત કરી છે. કોરોનાના વધતા સંક્રમણને પગલે રાજ્યના ર૬ જિલ્લાઓમાં કુલ ૩૧૦૦ બેડની ક્ષમતા ધરાવતી ૩૧ જેટલી ખાનગી હોસ્પિટલો કોવિડ-૧૯ અંતર્ગત ડેઝિગ્નેટેડ તરીકે સેવાઓ આપી રહી છે. આવી હોસ્પિટલો સાથે હાલ બે મહિનાનું એગ્રીમેન્ટ કરવામાં આવ્યું છે પરંતુ જરૂર જણાયે તેમાં વધારો કે ઘટાડો કરી શકાશે. એટલું જ નહિ, જો જિલ્લા કલેકટરો તેમના જિલ્લામાં વધુ ખાનગી હોસ્પિટલોને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલો તરીકે શરૂ કરાવે તો આવી હોસ્પિટલમાં પણ વિનામૂલ્યે સારવાર મળશે, તેમ શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય મુજબ આવી કોવિડ કોરોના ડેઝિગ્નેટેડ ખાનગી હોસ્પિટલમાં ઇન્ડોર અને આઉટડોર તમામ દર્દીઓને સારવાર અને દવાઓ વિનામૂલ્યે અપાશે.

તેમણે મુખ્યમંત્રીશ્રીના આ સંવેદનશીલ નિર્ણયની વધુ વિગતો આપતા કહ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઇને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થાય તે પછી પણ પાંચ દિવસ સુધી તેમને ચા, નાસ્તો, બે ટાઇમ ભોજન અને દવાઓ વિનામૂલ્યે અપાશે.

કોરોના શંકાસ્પદ દર્દીઓના લોહીના નમૂનાની તપાસ ગર્વમેન્ટ પ્રોટોકોલ પ્રમાણે કરાશે અને તેનો ખર્ચ આવી હોસ્પિટલોને રિએમ્બર્સ કરવામાં આવશે. રાજ્ય સરકાર આવી કોવિડ હોસ્પિટલ માટે પી.પી.ઇ. કિટ, N-95 માસ્ક, ટ્રિપલલેયર માસ્ક અને હાયડ્રોકસીકલોરોક્વિન ટેબ્લેટ પૂરા પાડશે.

મુખ્યમંત્રીશ્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આવી ડેઝિગ્નેટેડ હોસ્પિટલના આરોગ્યકર્મીનું કોરોના સંક્રમિત થવાથી મૃત્યુ થાય તો રાજ્ય સરકારની જાહેરાત મુજબ રૂ. રપ લાખની સહાય તેવા આરોગ્યકર્મીને આપશે તેમ મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું હતું.

રાજ્યમાં લોકડાઉનની સ્થિતીના ચોવીસમાં દિવસે નાગરિકો-પ્રજાજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેની વિગતો આપતાં શ્રી અશ્વિનીકુમારે જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં શુક્રવારે ૪૬.૫૮ લાખ લિટર દૂધનું વિતરણ, ૯૨,૩૫૦ કવીન્ટલ શાકભાજી અને ૧૧,૧૮૯ કવીન્ટલ ફળફળાદિનો આવરો થયો છે જેમાં ૨૦,૦૭૫ કવીન્ટલ બટેટા, ૨૬,૪૬૮ કવીન્ટલ ડુંગળી, ૬૮૬૫ કવીન્ટલ ટમેટા અને ૩૮,૯૪૦ કવીન્ટલ લીલાશાક તથા ૪૦૮ કવીન્ટલ સફરજન, ૮૬૬ કવીન્ટલ કેળાં અને ૯૯૧૪ કવીન્ટલ અન્ય ફળોનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x