પોલીસે જપ્ત કરેલ વાહનો દંડ વસુલ્યા વગર મુક્ત કરવા પરેશ ધાનાણીએ માંગ કરી.
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણી આજે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને માંગ કરી હતી કે લોકડાઉનના સમયગાળા દરમ્યાન રાજ્યના લોકો દ્વારા અતિઆવશ્યક એવા તાકીદના કામો તથા દવાખાના અને સારવાર બાબતે નાના-મોટા વાહનોમાં હેરફેર દરમ્યાન પોલીસતંત્ર તરફથી આવા વાહનો જપ્ત કરવામાં આવેલ છે, જે જપ્ત થયેલ વાહનો રાજ્ય પોલીસ વડાની યાદી મુજબ તા. 15-4-2020 સુધીમાં અંદાજે 99,487 જેટલા થવા જાય છે, જેમાં તમામ પ્રકારના વાહનોનો સમાવેશ થઈ જાય છે. જપ્ત થયેલ વાહનો મુક્ત કરવાની સત્તા R.T.O.ને છે, પરંતુ લોકડાઉનના સમયગાળા દરમ્યાન વાહનો મુક્ત કરવાની સત્તા બંદરો અને વાહનવ્યવહાર વિભાગના તા. 9-4-2020ના જાહેરનામાથી પોલીસ તંત્રને આપેલ છે, જે મુજબ રાજ્ય પોલીસ વડાએ તેઓના તા. 15-4-2020ના પત્રથી વાહનો મુક્ત કરવાની સત્તા હેડ કોન્ટેબલ અને તેનાથી ઉપરના અધિકારીને આપવામાં આવેલ છે.
કોરના વાયરસના કારણે રાજ્ય અને દેશમાં ઓચિંતાના લાદવામાં આવેલ લોકડાઉનના કારણે લોકો ખાસ કિસ્સામાં આવતાં-જતાં તેઓના વાહનો જપ્ત કરી લેવામાં આવેલ છે. વાહન માલિકો દ્વારા મોટર વ્હીકલ એક્ટને લગતો ભંગ કે ગુનો કર્યો નથી કે જેથી તેઓના વાહન જપ્ત કર્યા હોય પરંતુ લોકડાઉન દરમ્યાન અતિ આવશ્યક કામકાજે જતા તેઓના વાહનો જપ્ત કરવામાં આવેલ છે, જેથી આવા પ્રથમ વખત જપ્ત કરેલા તમામ વાહનો કોઈપણ દંડ વિના મુક્ત કરવા વિનંતી છે. લોકડાઉન દરમ્યાન જે વાહનો પકડાયા છે તે મોટાભાગે સાવ ગરીબ અને મધ્યમ વર્ગના નાના માણસોના છે કે જેઓ રોજેરોજનું કમાઈને ખાનાર લોકો છે. કોરોના વાયરસના કારણે હાલ સમગ્ર રાજ્ય માં લગભગ તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ છે, ત્યારે આવા કપરા કાળમાં ભરવાની થતી મોટી દંડની રકમ તેઓ ભરી શકે તેમ નથી. પ્રથમ વખતની ભુલ બદલ કોઈપણ દંડ વિના વાહનો મુક્ત કરવા જોઈએ અને ભવિષ્યમાં બીજીવાર ભુલ કરે તો ડબલ દંડની જોગવાઈ કરી એ મુજબ દંડની રકમ વસુલ કરવી જોઈએ.
શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની ગરીબ અને મધ્યમવર્ગની પ્રજા પ્રત્યે સહાનુભૂતિ દાખવી, રાજ્યમાં લોકડાઉનના સમયગાળા દરમ્યાન જપ્ત કરેલ તમામ પ્રકારના વાહનો, અજાણતા થયેલ પ્રથમ વખતની ભુલ માફ કરી, કોઈપણ પ્રકારનો દંડ વસુલ્યા વિના તાત્કાલિક મુક્ત કરવા સંબંધિતને સૂચના આપવા રાજ્યની પ્રજાવતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ માંગ કરી છે.