સાવધાન : અમદાવાદમાં નોંધાયેલા 140 માંથી 125 લોકોને કોરોનાના કોઈ લક્ષણ નહોતા.
અમદાવાદ :
આજે અમદાવાદમાં ગઈ રાતથી આજ સવાર સુધી 140 કેસ પોઝિટિવ નોંધાયા હતા. કોરોનાના આ પોઝિટિવ કેસો મામલે તંત્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આરોગ્ય વિભાગના આ ખુલાસા મુજબ અમદાવાદમાં 140 માંથી 125 લોકોમાં કોરોનાના કોઈ લક્ષણો નહોતા.
આજે નવા નોંધાયેલા140 કેસોમાંથી માત્ર 15 લોકો જ એવા હતા જેમાં કોરોનાના લક્ષણો દેખાયા હતા. આ લક્ષણોમાં તાવ, શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલિફ જેવા લક્ષણો છે. આ વાત ઉપરથી એક વાત સાબિત થઇ છે કે, લક્ષણો દેખાય તો જ કોરોના થાય તે જરૂરી નથી. ઘણા કેસોમાં લક્ષણો ન હોવા છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જણાવ્યું કે અમદાવાદમાં દિલ્હી કરતા વસતિ મુજબ અઢી ગણા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આપણે મોટી સંખ્યામાં સામેથી કેસો પકડી પાડ્યા છે. જેમાં મોટાભાગના કેસો લક્ષણો વિનાના છે. કુલ 978 કેસમાંથી પેસિવ સર્વેલન્સમાં માત્ર 203 કેસ છે જ્યારે એક્ટિવ સર્વેલન્સના ફિલ્ડમાં સામે ચાલીને 775 જેટલા કેસ પકડ્યા છે. આમ 400નો સરેરાશ ઈન્ફેક્શન રેટ ગણીએ તો અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવી લીધા છે.