અમદાવાદમાં શાકભાજી વેચનારા જમાલપુરના કુલ 4 મોટા વેપારીઓને કોરોના પોઝિટિવ !
અમદાવાદ :
અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. એક પછી એક એવા લોકો પ્રકાશમાં આવી રહ્યા છે કે જેનાથી અનેક લોકો સંપર્કમાં આવ્યા હોય. અમદાવાદમાં શાકભાજીના મોટા વેપારીઓમાં 4 ને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેમાં જમાલપુર એપીએમસીમાં દુકાન નં. 14, 21 અને 39 ધરાવતા વેપારીઓ સામેલ છે.
અમદાવાદ જમાલપુર એપીએમસીમાંથી સમગ્ર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં શાકભાજી સપ્લાય થાય છે. ત્યારે અહીં 14 નંબરની દુકાનમાં અલગ અલગ શાકભાજી વિતરણ થતા હતા. આ દુકાનના માલિક વાસણા વિસ્તારના ઈડન ગાર્ડન સોસાયટીના રહેવાસી છે. બીજા કેસમાં જીવરાજ પાર્ક બુટભવાની સોસાયટીમાં રહેતા અને એપીએમસીમાં 39 નંબરની દુકાન ધરાવતા વેપારીને કોરોના પોઝિટિવ નોંધાયો છે. જેઓ કોથમીરના હોલસેલ વેપારી છે. ત્રીજો કેસ જમાલપુરના મહેતાજીનો નોંધાયો છે. જેઓ 21 નંબરની દુકાનમાં લીંબુનો હોલસેલ વેપાર કરતા હતા. સાથે જ મહેતાજી જમાલપુરમાં અલગ અલગ વેપારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી અને માલ વેચવાનું પણ કામ કરતા હતા.
ખમાસામાં પણ બટાકાનો ધંધો કરતા ગણેશજી નામના વેપારીના દીકરાનો પોઝિટિવ રિપોર્ટ નોંધાયો છે. ખમાસા માર્કેટ બંધ કર્યા બાદ તેઓ અન્ય જગ્યાએ બટાકાનો મોટો વેપાર કરતા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે વાત કરીએ તો, બટાકા, કોથમીર, લીબું અને અલગ અલગ શાકભાજીઓ કોરોનાગ્રસ્ત વ્યક્તિઓ દ્વારા અજાણતા લોકોના માધ્યમથી અમદાવાદમાં વેચાયા છે.