ગાંધીનગર

ગાંધીનગર મહાનગરપાલિકામાં હવે કોઇપણ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નથી : મેયર શ્રીમતી રીટાબેન પટેલ

ગાંધીનગર :

ગાંધીનગર શહેરના પ્રથમ કોરોના પોઝિટીવ કેસ આવનાર ઉમંગ પટેલને આજે એક માસ સુધી સતત કોરોના સામે લડીને તેને પરાસ્ત કરી અમદાવાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, ગાંધીનગર મહાનગરપાલીકામાં આજરોજ કોઇ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નથી, તેવું ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન પટેલે જણાવ્યું છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી રીટાબેન કેતનકુમાર પટેલે વધુમાં જણાવ્યું છે કે, ગાંધીનગરના સેકટર-૨૯માં રહેતા ઉમંગ પટેલ તથા તેમના પત્ની પીનલબહેન દુબઇ પ્રવાસ ગયા હતા. તા. ૧૬મી માર્ચના રોજ ગાંધીનગર આવ્યા હતા. ઉમંગભાઇનું તા. ૧૯મી માર્ચના રોજ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રીપોર્ટમાં કોરોના પોઝિટીવ આવ્યો હતો. તેના કારણે તેના સંપર્કમાં આવેલા તેમના પત્ની પીનલબહેન, દાદી ઇચ્છાબહેન, તેમના પિતા શ્રી જશવંતભાઇ પણ કોરોના પોઝિટવ થવા પામ્યા હતા. આ ફેમિલી ટ્રીનો ચેપ આગળ વધતા ઉમંગભાઇના ફૂવા આશોકભાઇ અને તેમના ફઇ ચંદ્રિકાબહેન, અશોકભાઇના માતૃશ્રી શારદાબહેન પુત્ર સ્વપ્નિલ, ઉંમગભાઇના દાદા સાંકળચંદભાઇ, તેમના ભાઇ તીર્થ અને માતા અંજનાબહેન આમ ઉમંગભાઇથી એક જ કુટુંબના કુલ- ૧૧ વ્યક્તિ ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના ગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓની સારવાર અમદાવાદ તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
બંને સિવિલ હોસ્પિટલની સમયસર સારી સારવારના કારણે ધીમે ઘીમે તબક્કાવાર તમામ વ્યક્તિઓ કોરોના નેગેટીવ જાહેર થયા હતા. માત્ર ઉમંગના દાદા શ્રી સાંકળચંદભાઇ મોટી ઉમંર તેમજ શરીરના અન્ય રોગો હોવાને કારણે તેમનું મૃત્યૃ થયું હતું. આજે તા. ૨૦મી એપ્રિલ, ૨૦૨૦ ના રોજ ઉમંગભાઇનો રીપોર્ટ પણ નેગેટીવ આવતાં તેઓને આજરોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકામાં આજરોજ કોઇ કોરોનાગ્રસ્ત વ્યક્તિ નથી.
ગાંધીનગર શહરેમાં આ રોગ માત્ર એક કુટુંબના સભ્યો સુધી મર્યાદિત રહ્યો હતો. અને અન્ય જગ્યાએ તેનો ફેલાવો થઇ શક્યો ન હતો. તેની પાછળ ગાંધીનગર મહાનગરપાલિકાનો, અમદાવાદ- ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ર્ડાકટર, પેરામેડિકલ સ્ટાફ તથા સમગ્ર વહીવટી તંત્રની સતર્કતા અને દિવસ-રાતની મહેનત થકી આ પરિણામ મળ્યું છે, તેવું પણ મેયરે ઉમેર્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x