ગુજરાતમાં લોકડાઉનના ધજાગરા ઉડી રહ્યા છે, દેશમાં 47 જિલ્લા ચેપમુક્ત જ્યારે રાજ્યમાં નવા 8 જિલ્લા ચેપગ્રસ્ત બન્યા !
નવી દિલ્હી :
ભારતમાં ૪૭ જિલ્લાઓમાં વિતેલા ૧૪ દિવસમાં કોરોના પોઝિટિવનો એક પણ નવો કેસ નોંધાયો નથી ! ૨૩ રાજ્યોની સરકારે જ્યાં અગાઉ કોવિડ-૧૯ના કેસ હતા તેવા જિલ્લામાં જમીન ઉપર લોકડાઉનના ચુસ્ત અમલથી આ ઉપલબ્ધિ મેળવી છે.
ભારતના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે પાડોશના રાજસ્થાન સહિત પંજાબ, બિહાર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક જેવા ૨૩ રાજ્યોની સરકારની કામગીરીને વખાણી છે, અભિનંદન આપ્યા છે. જો કે, તેમાં ગુજરાતનો સમાવેશ થતો નથી ! કારણ કે, ગુજરાતમાં ૧૪ દિવસોમાં જિલ્લો ચેપમુક્ત રાખવો તો દૂર કર્યો જે પહેલાથી ચેપમુક્ત હતા તેવા આઠ નવા જિલ્લાઓમાં કોરોના વાઇરસ ઘૂસ્યો છે. આ વાસ્તવિક સ્થિતિ જ સ્વયં સ્પષ્ટ કરે છે કે રૂ.૪૦૦થી વધુ કરોડના ઝ્રઝ્ર્ફ સર્વેલન્સ પછીએ ગુજરાતમાં લોકડાઉનના ધજાગરા ઈડી રહ્યા છે.
પહેલા તબક્કાના લોકડાઉનના આરંભે ગુજરાત સરકારમાં ચૂંટાયેલા પદાધિકારીઓની પાંખ વીડિયો કોન્ફરન્સ અને વીડિયો કોલિંગથી એકબીજાના ખબર અંતર પૂછવામાં મગ્ન હતા ત્યારે વિદેશ અને આંતરારાજ્ય પ્રવાસની હિસ્ટ્રી ધરાવતા નાગરિકોમાં ૧૪ દિવસનો ઇન્ક્યુબેશનનો પિરિયડ પૂર્ણતાને આરે હતો.
એ વખતે અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર જેવા મોટા મહાનગરો સહિત માત્ર ૧૭ જિલ્લાઓમાં જ કોવિડ-૧૯ના સામાન્ય પોઝિટિવ કેસોનું રિપોર્ટિંગ થયું હતું. ૮મી એપ્રિલ પહેલા અને ત્યાર પછી પણ લોકડાઉનનો ચુસ્ત અમલ થયો હોત તો લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોનાનો વાઇરસ વડોદરાથી આણંદમાં, ભાવનગરથી ઘોઘામાં, રાજકોટથી સુત્રાપાડામાં, અમદાવાદથી અરવલ્લીના સાંઠબામાં ચેપ પ્રસર્યો ન હોત.
૨૧ દિવસનું લોકડાઉન પૂર્ણ થાય તે પહેલા ૧૪મી એપ્રિલે ગુજરાતમાં ૨૦ જિલ્લાઓમાં અને તેમાંય ખાસ કરીને આદિવાસી, ખેડૂત અને પશુપાલન સાથે સંકાળાયેલા સમાજજીવન વચ્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, આણંદ જેવા જિલ્લાઓમાં સાઇલન્ટ કેરિયર મારફતે કોરોના વાઇરસની ઘૂસણખોરી થઈ ચૂકી હતી.
એટલું જ નહીં, દક્ષિણ ગુજરાતના ગોલ્ડન ઇન્ડ્રસ્ટ્રિયલ કોરિડોરમાં જ્યાંથી સૌથી વધુ આવાગમન રહે છે તેવા સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલી ચેપમુક્ત જાહેર થઈ કે તે જ દિવસે અડીને આવેલા તાપી, નવસારી, સુરત ગ્રામ્ય અને વલસાડ જિલ્લામાં છેક સૌરાષ્ટ્રના ઓખા બંદરેથી આવેલા ટોળા માંથી કોવિડ-૧૯ના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. આમ હજુ પણ પૂરતી તકેદારી સાથે લોકાડાઉનનો કડક અમલ નહીં ૩૩માંથી ૨૮ જિલ્લાઓમાં પહોંચેલા વાઇરસથી બાકીના પાંચ જિલ્લાને પણ ચેપમુક્ત નહીં રહે.
વિદેશથી આવ્યો તેનાથી વધુ કોરોના અંદરની હેરાફેરીથી વકર્યો
ગુજરાતમાં વિદેશથી આવ્યા તેના સંપર્ક સંસર્ગને કારણે મોટા શહેરો અને કંઈ અંશે કચ્છ, પોરબંદર જેવા જિલ્લાઓના મુખ્ય મથકો મળી ૨૮મી માર્ચ સુધી ૧૩- ૧૪ જિલ્લાઓમાં કોવિડ-૧૯ના કેસો હતો. જો કે, દિલ્હી તબલિગી મકરઝ, મધ્યપ્રદેશના ઇન્દોરથી અને ગુજરાતમાં જ ચેપગ્રસ્ત એરિયામાંથી અન્યત્રે બેરોકટોક હેરાફેરી ચાલી તેનાથી કોરોના વાઇરસ વધુ વકર્યો છે.
જિલ્લો પ્રથમ કેસ હાલની સ્થિતિ
ગીર સોમનાથ ૨૮ માર્ચ ૩
પોરબંદર ૨૯ માર્ચ ૩
પંચમહાલ ૧લી એપ્રિલ ૧૧
પાટણ ૪થી એપ્રિલ ૧૪
છોટા ઉદેપુર પમી એપ્રિલ ૭
મોરબી ૬ઠ્ઠી એપ્રિલ ૧
જામનગર ૬ઠ્ઠી એપ્રિલ ૧
આણંદ ૭મી એપ્રિલ ૨૭
હિમંતનગર ૭મી એપ્રિલ ૩
દાહોદ ૯મી એપ્રિલ ૪
ભરૂચ ૧૦મી એપ્રિલ ૨૪
બનાસકાંઠા ૧૩ એપ્રિલ ૧૫
બોટાદ ૧૫મી એપ્રિલ ૯
ખેડા ૧૫મી એપ્રિલ ૩
નર્મદા ૧૬મી એપ્રિલ ૧૨
અરવલ્લી ૧૬મી એપ્રિલ ૧૭
મહીસાગર ૧૭મી એપ્રિલ ૨
તાપી ૨૧મી એપ્રિલ ૧
વલસાડ ૨૧મી એપ્રિલ ૩
નવસારી ૨૧મી એપ્રિલ ૧