રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન, અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા ખોલવામાં આવી શકે.
ગાંધીનગર :
ગુજરાતમાં પણ લોકડાઉન 4.0 નવા રૂપરંગ સાથે સોમવારથી અમલી બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્યમાં રાત્રી લોકડાઉન રહે તેમજ બાકીના અન્ય વિસ્તારોમાં વેપાર-ધંધા ખોલવામાં આવી શકે છે. જે અંગે આજે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને વધુ એક બેઠક મળી હતી. તેમાં અધિકારીઓ અને મંત્રીઓ હાજર રહયા હતા. જેમાં લોકડાઉન 4.0 ને હળવું કરવા માટે કેવા પ્રકારની છૂટછાટ અને કેવી પ્રવૃત્તિ કરી શકાશે અને કયા કયા વેપાર ધંધા હજુ બંધ રાખવા પડશે તેની આખરી બ્યૂ પ્રિન્ટ આપવામાં આવી છે.
ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં હળવું લોકડાઉન
લોકડાઉનમાં કોરોના–કોરોના કરીને ઘરમાં બહુ રહી લીધું હવે આર્થિક કામગીરીમાં લાગવું પડશે તેવા નિવેદનથી નાયબ મુખ્યમંત્રીએ લોકડાઉન–4.0 ખુબ જ હળવું અને આર્થિક પ્રવૃતિને વધુ વેગ આપતું હશે તેવું સ્પષ્ટપણે જણાવી દીધું છે. તે સંજોગોમાં ગુજરાતમાં લોકડાઉન ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વધુ હળવું કરવામાં આવે અને રેડ ઝોનના પણ કન્ટેનમેન્ટ વિસ્તાર સિવાય પણ વેપાર ધંધા ચોક્કસ સમય માટે ખુલ્લું રાખવામાં આવે તેવી શક્યતા છે. રેડ ઝોનમાં રાત્રી લોકડાઉન રાખવામાં આવે તેમ છે.