કોરોના કટોકટીમાં હેપ્પી યુથ ક્લબ આયોજિત રક્તદાન શિબિરમાં ૨૨ યુનિટ્સ રક્ત એકત્ર થયું
ગાંધીનગર :
લૉકડાઉનના કારણે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં રક્તની અછત સર્જાઇ છે, આ સમયે સેવાભાવી નાગરિકોની ફરજ છે કે રક્તદાન કરીને આ અછતને પુરી કરે જેથી અણીના સમયે કોઇનો જીવ બચાવવા તે ઉપયોગી બને. આ શુભ હેતુથી આગામી આજે તા.૧૯મી મે, મંગળવારે સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા દરમ્યાન શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા તેના પાંચમા સ્થાપના દિન નિમિત્તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકમાં સ્વૈચ્છિક રકતદાન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોરોના કટોકટી સાથે ઉનાળાની કાળઝાળ ગરમી હોવા છતાં ૨૨ યુનિટ્સ રક્ત એકત્ર થવા પામ્યું હતું.
હેપ્પી યુથ ક્લબ આયોજિત રક્તદાન સેવા કાર્યમાં રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક પોતાના નામ અગાઉથી નોંધાવી રક્તદાન કર્યું હતું. આ દરમ્યાન સોશ્યલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવ્યું હતું. દરેક રક્તદાતાઓને રક્તદાન કરવા માટે અલગ અલગ ટાઈમ ફાળવવામાં આવ્યો હતો. રક્તદાન સ્થળ પર દરેક રક્તદાતાનું પહેલા થર્મલ સ્કેનરથી ટેમ્પરેચર ચેક કરવામાં આવ્યું હતું અને સેનેટાઇઝરની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામા આવી હતી. આ રક્તદાન શિબિરમાં ઇંડિયન રેડ ક્રોસ સોસાયટીના જિલ્લા શાખાના સેક્રેટરી હિતેશભાઇ રાવલે ઉપસ્થિત રહી અને વાવોલના સરપંચ નગીનભાઈ નાડીયાએ રક્તદાન પણ કરી આયોજકોને પ્રોત્સાહન તથા સહયોગ પૂરો પાડ્યો હતો. રક્તદાન શિબિરમાં રક્ત એકત્ર કરવાની સેવા સહિત અન્ય તમામ સુવિધા માટે સિવિલ હોસ્પિટલની બ્લડબેંકના ડો. મનોજ પટેલ, ડો. પરાગી ગાંધી તથા બ્લડ બેંકના સ્ટાફ દ્વારા પૂરી પાડવામાં આવી હતી. રક્તદાતાઓને હેપ્પી યુથ ક્લબ દ્વારા શુભેચ્છા ભેટ અને બ્લડ બેંક દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે હેપ્પી યૂથ ક્લબના કોષાધ્યક્ષ ભાવના રામી તથા સભ્યો રાજદીપસિંહ બિહોલા, કિરીટ પારઘી, વિશાખા રાજપૂત સહિત સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. કોરોના કટોકટીમાં સર્જાયેલી રક્ત પુરવઠાની અછતના સમયમાં હેપ્પી યુથ ક્લબના આયોજનને પગલે બ્લડ બેંકને પ્રાપ્ત થયેલ અત્યંત ઉપયોગી રક્ત પુરવઠા માટે બ્લડ બેન્ક સ્ટાફ દ્વારા હેપ્પી યુથ ક્લબનો આભાર માનવામાં આવ્યો હતો.