ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી ખેડૂતોને ન્યાય અપાવવા આવતીકાલે એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેસશે
ગાંધીનગર :
કોરોના મહામારીમાં સૌથી વધારે કફોડી હાલત ખેડૂતોની થઈ છે ત્યારે ખેડૂતોના પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી જી. એમ. પટેલ એક દિવસના પ્રતીક ઉપવાસ કરી જગતાત ડિજિટલ આંદોલનમાં જોડાયા છે.
કોરોના વાયરસના કહેરથી બચવા છેલ્લા કેટલાય સમયથી દેશમાં લોકડાઉન હોવાથી ખેડૂતોને જીવન નિર્વાહ કરવું મુશ્કેલ થઈ પડ્યું છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ મંત્રી જી. એમ. પટેલ જે પોતે એક ખેડૂત પુત્ર હોવાથી ખેડૂતોના પ્રશ્નના ઉકેલ માટે લોકડાઉનના સરકારની ગાઈડલાઈન પ્રમાણે આવતીકાલે મંગળવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેસશે. એક દિવસના પ્રતીક ઉપવાસ ઉપર બેસવાનો તેમનો હેતુ અને માંગણીઓ તેઓ સરકાર સમક્ષ રજુ કરશે અને તેનું ખુબજ ટૂંકા ગાળામાં સુખદ ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવાનો છે. તેઓ ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું, ખેડૂતોને સંપૂર્ણ પાકવિમો આપવો તેમજ સરકારને ચોમાસુ સત્ર પહેલા ખેડૂતોના બિયારણ અને રાસાયણિક દવાઓ અને ખાતર માટે એડવાન્સમાં આર્થિક સહાય આપવી, ખેડૂતોના ઘર અને ખેતરોના વિજબીલ માફ કરવા તેમજ ખેડૂત હિતચિંતક પાલભાઈ આંબલિયાને ન્યાય મળે તેવા મુદ્દાઓ પ્રતીક ઉપવાસ દરમ્યાન સરકાર સમક્ષ રજુ કરશે. પ્રદેશ કોંગ્રેસ મંત્રીએ કોરોના મહામારીમાં સરકારી ગાઈડલાઈન મુજબ ભીડ એકત્ર થાય નહિ અને સરકારના નીતિનિયમોનું પાલન થાય તેવા ઉમદા હેતુથી પોતાના પ્રતીક ઉપવાસનું સ્થળ જાહેર કર્યું નથી પરંતુ લોકો સોશિયલ મીડિયાના માદયમથી ઉપવાસમાં જોડાઈ શકશે તેવું જણાવ્યું હતું.