ગાંધીનગરમાં ચાની કિટલીથી ઓફિસો સુધી એક જ ચર્ચા ‘ફિક્સ પે માં વધારો’
ગાંધીનગર:છેલ્લા લાંબ સમયથી ચાલતી ફિક્સ પગારદારોની લડત મુદ્દે રાજ્ય સરકારે 2006થી ચાલ્યાં આવતા પગાર ધોરણમાં વધારો કર્યો છે. ત્યારે કર્મચારીનગર ગણાતા ગાંધીનગરમાં વસતાં હજારો કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. જૂના સચિવાયલ, નવા સચિવાયલ, કલેક્ટર કચેરી સહિતની તમામ કચેરીઓથી લઈને કિટલીઓ પણ આજે એક જ ચર્ચા જોવા મળી હતી અને તે હતી ફિક્સ પગારદારોની લડાઈની જીતની. ફિક્સ પેના એક કર્મચારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, સરકારે વર્ષો સુધી અમારું શોષણ જ કર્યું છે જોકે હવે અમારા કામ પ્રમાણે અમને પૈસા મળશે તેનો આનંદ છે. કામ તો ઠીક પરંતુ હવે અમારી આર્થિક સ્થિતિમાં કઈ તો સુધારો થશે. ઓછા પગારમાં અમે ખાલી ખાઈ શકતા હતા છોકરાઓને ભણાવવા અને સામાજિક ખર્ચા માટે અમારે દેવુ જ કરવું પડતું હતું.
‘ચૂંટણીને લીધે સરકાર અત્યારથી જ જાગી છે’
કચેરીઓમાં ચાલતી ચર્ચાની વાત કરીએ તો એક કચેરીમાં કેટલાક કર્મચારીઓ વચ્ચે વાત ચાલી રહી હતી કે, કાયમી કર્મચારીઓને સામતા પગારપંચનો લાભ આપ્યા બાદ સરકારે આજ નહીં તો કાલે ફિક્સ પે વાળાને પગાર વધારો આપવો જ પડતો જોકે, હવે આગામી ચૂંટણીને લઈને સરકાર અત્યારથી જ જાગી ગઈ છે. કેટલાક કાયમી કર્મચારીઓ તો રમૂજ પણ કરતાં નજરે પડ્યાં હતા કે, સરકાર ખાલી પગાર નહીં વધારે આ લોકોનું કામ પણ વધારી દેશે.
કોર્ટના દબાણથી નિર્ણય
જૂના સચિવાલયમાં કેટલીક ચાની કિટલીઓ પણ સાંભળવા મળેલી ચર્ચામાં કર્મચારીઓ કહીં રહ્યાં હતાં કે સરકારે ઈચ્છાથી નહીં પરંતુ કોર્ટના દબાણમાં આ નિર્ણય લીધો છે. તો કેટલાક કર્મચારીઓ કહીં રહ્યાં હતા કે, સરકારે ફિક્સ પે માટે લડતા પ્રવિણ રામ અને તે બાદ અલ્પેશ ઠાકોરની ચીમકીથી સરકાર ડરી ગઈ છે.
શું કહે છે ફિક્સ પે પર કામ કરતાં કર્મચારીઓ
– સરકારનો નિર્ણય ખુબ સારો અને આવકાર્ય છે, નિર્ણય છે અમારા જેવા ફિક્સ પે પર કામ કરતાં કર્મચારીઓને સ્થિતિમાં સુધારો આવશે અને ક્યાંકને ક્યાંક ખોરવાતા સામાજિક સમીકરણનો કઈક અંશે સુધરશે.– ધવલ પરમાર, ડેપ્યુટી મામલતદાર, રેવન્યૂ વિભાગ
– સરકારનો નિર્ણય પોઝિટિવ છે અને હાલ તો અમારા જેવા બધા કર્મચારીઓ ખુશ છે, જે તકલીફો પડતી હતી તેમાંથી રાહત મળશે. – રાજેન્દ્ર કુમાર, જામનગર ARTO
– ચોક્કસ આવકારદાયક નિર્ણય છે, પાંચ વર્ષ સળંગ નોકરી ગણવાની વાત પણ સારી છે જોકે, ઘણા લોકો 9 વર્ષ અને 15 વર્ષથી છે તેમના વિશે પણ સરકારે વિચારવું જોઈએ, –રાકેશ કંથારિયા, Dy SO કાયદા વિભાગ, સચિવાલય
– ચોક્કસ આવકારદાયક નિર્ણય છે, પાંચ વર્ષ સળંગ નોકરી ગણવાની વાત પણ સારી છે જોકે, ઘણા લોકો 9 વર્ષ અને 15 વર્ષથી છે તેમના વિશે પણ સરકારે વિચારવું જોઈએ, –રાકેશ કંથારિયા, Dy SO કાયદા વિભાગ, સચિવાલય