મોટા પાયે ચાઈના ટેબલેટ ખરીદનાર મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી એ રાજીનામું આપવુ જોઈએ : ડૉ. મનિષ એમ. દોશી
અમદાવાદ :
ભારતની સરહદમાં ઘૂસણખોરી કરનાર અને ભારતના ૨૦ જવાનોને શહીદ કરનાર ચાઈના સામે સમગ્ર દેશ અને દેશવાસીઓ, વિવિધ સંગઠનો સબક શીખવાડો તેવા આક્રોશ સાથે ચાઈના ના ઉત્પાદનનો બહિષ્કાર કરી રહ્યા છે તેવો સમયે ગુજરાતની ભાજપા સરકાર “મેઈડ ઈન ચાઈના” ના ૪૦,૦૦૦ જેટલા ટેબલેટ ૫૮ કરોડ રૂપિયાની માતબર રકમથી ખરીદીને સરકારી અને કોર્પોરેશનની શાળાઓમાં વિતરણ કરી રહી છે. ભાજપા સરકારના “ચાઈના મોડલ” અને “ચાઈના પ્રેમ” પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી સ્વદેશી ઉત્પાદન ખરીદવા માટે વાતો કરે છે અને આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર ગુજરાતની મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છે. બીજી બાજુ ગુજરાતની ભાજપા સરકાર કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાનના નાણામાંથી “મેઈડ ઈન ચાઈના” લીનોવા કંપનીનું ટેબલેટ એક રૂ. ૧૪,૫૦૦/- ની કિંમતથી કુલ ૪૦,૦૦૦ ટેબલેટ એટલે ૫૮ કરોડ રૂપિયાના ખર્ચે ખરીદ કરવા આવ્યા છે. “મેઈડ ઈન ચાઈના” ના આ ટેબલેટ રાજ્યની શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી માટે ઉપયોગમાં લેવા વિતરણ કરવામાં આવ્યું છે.
મેઈડ ઈન ઈન્ડીયા, આત્મનિર્ભર ભારત – આત્મનિર્ભર ગુજરાતની સુફિયાણી વાતો કરતી ભાજપા સરકારના “ચાઈના મોડલ” નો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી ચાઈના ભારતની સરહદ પર ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને કબજો કરવા પ્રયત્નશીલ છે. આપણા ૨૦ કરતા વધુ જવાનો શહીદ થયા તેનાથી સમગ્ર ભારત અને ભારતીયોમાં ચીનની નફટાઈ સામે ભારોભાર આક્રોશ છે. મેઈડ ઈન ઈન્ડીયાની વાતો કરતી અને પ્રજાને રાષ્ટ્રવાદની સૂફિયાણી સલાહ આપતી ભાજપાનો શુ આ રાષ્ટ્રવાદ છે ? દેશના નાગરિકોને સ્વદેશીની વાતો કરવાની, ચાઈના ઉત્પાદનો બહિષ્કાર માટે દેખાવો કરવાના અને બીજીબાજુ ભાજપા સરકાર ચાઈનીઝ ઉત્પાદનોને જ સરકારી વિભાગોમાં મોટા પાયે ખરીદી કરે તે કેટલે અંશે વ્યાજબી ? ભાજપાની કરણી અને કથની ખુલ્લી પડી ગઈ છે. સમગ્ર દેશમાં ચાઈનાના કરતૂતો અંગે ભારોભાર આક્રોશ છે તેવા સમયે મોટા પાયે ચાઈના ટેબલેટ ખરીદનાર ભાજપા સરકારના “ચાઈના મોડલ”ની જવાબદારી સ્વિકારી મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રી એ રાજીનામું આપવુ જોઈએ.