મેડિકલ સ્ટોર્સના માલિકોને “ACSyS” નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરવા જિલ્લા કલેક્ટરે કર્યો આદેશ
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં આવેલા તમામ મેડિકલ સ્ટોર્સ (ડ્રગીસ્ટ અને કેમીસ્ટ) એ ફરજિયાતપણે “ACSyS” (Advanced Covied-19 Sydromic Surveillance (ACSyS) System) નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, તેવું જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ એક જાહેરનામું બહાર પાડીને આદેશ કર્યો છે.
કોરોનાના સામાન્ય લક્ષણો જેવા કે, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને ડાયેરિયાના લક્ષણો ધરાવતા શંકાસ્પદ કોરોના સંક્રમિત લોકો મેડિકલ સ્ટોર પર જઇ દવા લાવી પોતાની જાત સારવાર કરે છે. આવા લોકો અજાણતા પણ કોરોનાના સંક્રમણનો ફેલાવો કરી શકે છે. જેથી મેડિકલ સ્ટોર પરથી દવા લેવા જનાર શંકાસ્પદ દર્દીઓની માહિતી આરોગ્ય વિભાગને મળી રહે તો આવા જાતે સારવાર કરનાર શંકાસ્પદ દર્દીઓનો સર્વે કરી જરૂર જણાય તો તેમના ટેસ્ટ કરી તેમને યોગ્ય સારવાર આપી શકાય. કોરોના સંક્રમણનો ફેલાવો અટકાવી શકાય. જેથી ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રીએ જાહેરનામું બહાર પાડીને આ એપ્લીકેશન ડાઉનલોડ કરવા માટે જિલ્લાના તમામ મેડિકલ સ્ટોર્સના માલિકોને સૂચના આપી છે.
જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યએ જાહેરનામામાં વધુમાં જણાવ્યું છે કે, આ એપ્લિકેશનમાં રોજે રોજ તેમની દવાની દુકાને તાવ, ઉધરસ, ગળામાં દુખાવો, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને ડાયેરીયા જેવી તકલીફોમાંથી કોઇપણ તકલીફ માટે દવા લેવા આવતાં દર્દીઓની વિગતો ફરજિયાતપણે ઉમેરવાની રહેશે. તમામ વ્યક્તિઓ કે દર્દીઓ જેઓ દવાની દુકાને તાવ, ઉધરસ, ગળામાં દુખાવા, શરદી, શ્વાસ લેવામાં તકલીફ અને ડાયેરિયા જેવી તકલીફોમાંથી કોઇપણ દવા લેવા માટે આવે તો આવા દર્દીઓએ પોતાની વિગત જેવી કે નામ, ઉંમર, મોબાઇલ નંબર અને સરનામું મેડિકલ સ્ટોરને “ACSyS” એપ્લિકેશનમાં માહિતી ભરવા માટે ફરજિયાતપણે આપવાનું પણ જાહેરનામામાં જણાવ્યું છે.
જિલ્લા કલેકટરશ્રીએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં અને એપ્લિકેશનને લગતી સમસ્યા માટે ર્ડા. અભ્યન્ત તિવારી, મોબાઇલ – 9898616948 જી.આઇ.ડી.એમ. નો સંપર્ક કરવા પણ જણાવ્યું છે. આ હુકમ અમલવારી સમગ્ર ગાંધીનગર જિલ્લામાં તા.૨૨મી જુલાઇ, ૨૦૨૦ થી તા.૩૧મી ઓગષ્ટ, ૨૦૨૦ના ૨૪.૦૦ કલાક સુધી ( બન્ને દિવસો સહિત) કરવાની રહેશે. ગાંધીનગર જિલ્લામાં ફરજ પરના હાજર એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટશ્રી તેમજ પોલીસ વિભાગના હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓને તેમજ ખોરાક ઔષઘ નિયમનતંત્રના ડ્રગ્સ ઇન્સ્પેકટરશ્રી કે તેથી ઉપરનો હોદ્દો ધરાવનાર અધિકારીશ્રીઓને તથા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંધન કરના ઇસમો વિરૂધ્ધ લેખિત ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવે છે, તેવું પણ જાહેરનામાં કલેકટરશ્રીએ જણાવ્યું છે.