કોરોનાકાળમાં મધ્યમ વર્ગ પાસેથી GUDA નું હપ્તા વસુલવાનું પરાક્રમ! ૧૨ ટકા વ્યાજની નોટિસો આપી
ગાંધીનગર :
કોરોનાના કપરાકાળમાં અપાયેલાં લોકડાઉનમાં અનેક પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની જવા પામી છે. ત્યારે સરકાર દ્વારા આ મહામારીને ધ્યાને રાખીને વિવિધ સહાયો આપવાની સાથે સાથે આત્મનિર્ભર બનવા માટેની યોજનાઓ પણ બનાવવામાં આવી છે. ત્યારે નાના અને મધ્યમ પરિવારોને ઘરનું ઘર મળી શકે તે માટે સરકાર દ્વારા જે ડ્રો સીસ્ટમ થકી આવાસની ફાળવણી કરવામાં આવી હતી તે અંતર્ગત શહેરમાં વસવાટ કરતાં અનેક પરિવારોને ગુડા દ્વારા બનાવેલી આવાસ યોજનામાં મકાન ફાળવાયા છે. આમ ઘણા પરિવારોએ આવાસની કિંમત પણ ચુકવી દીધી છે તો ઘણા લોકોએ હજુ આર્થિક પરિસ્થિતિને ધ્યાને રાખીને અમુક જ રકમ જમા કરાવી છે. હાલમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેમાં ઘણા પરિવારો રૂપિયા ભરવા માટે પણ સક્ષમ નથી તેવા સમયે કુડાસણમાં આવેલી એમઆઇજી-૧ ની આવાસ યોજનાના જે મકાન ધારાકોએ રૂપિયા ભર્યા નથી તેમને ગુડા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પંદર દિવસમાં ૧૨ ટકા વ્યાજ સાથે બાકીની રકમ ભરપાઇ કરવામાં નહીં આવે તો નિયમોનુસાર કાર્યવાહી કરીને ફાળવેલ આવાસની ફાળવણી કરવામાં આવશે તેવું જણાવતાં જે લોકોને આ યોજના થકી આવાસ લાગ્યા છે તેમની હાલત પણ કફોડી બની જવા પામી છે. આર્થિક સંકડામણમાં એક સાંધે તેર તુટે તેવી સ્થિતિ છે ત્યારે ગુડા દ્વારા જે નોટિસો ફટકારવામાં આવી છે તેના પગલે મધ્યમવર્ગના પરિવારો ચિંતામાં મુકાઇ ગયા છે જેથી સરકાર જે પ્રકારે ટેક્સ સહિત અન્ય ચાર્જમાં રીબેટ અને મુદ્તમાં વધારો કરાયો છે તે પ્રકારે ગુડા દ્વારા આવાસધારકોને રૂપિયાની ચુકવણીમાં રાહત આપવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે.