સાવરકુંડલા પાસે સ્કૂલ બસ પલ્ટી જતાં ૧૫ બાળકો ઘાયલ
અમરેલી,
સાવરકુંડલાનાં ભુવા ગામ પાસે આજે સવારે એક ખાનગી સ્કુલ બસ પલ્ટી મારી જતાં ૧૫ જેટલા બાળકોને ઈજા થઈ હતી.
ભુવા ગામ પાસે રોડ ઉપર ભેંસ આવી જતાં ડ્રાઈવરે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યોઃ મોટી દુર્ઘટના ટળી
પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે સાવરકુંડલાની ડી.બી. ગજેરા સ્કુલની બસ સા.કુંડલાથી ત્રણેક કિલોમીટર દૂર આવેલા ભુવા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે રોડ ઉપર ભેંસ આડી ઉતરતા ડ્રાઈવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેથી ૨૦ જેટલા બાળકો સાથેની બસ પલ્ટી મારી જતાં ભારે દેકારો મચી ગયો હતો. જેમાંથી ૧૫ જેટલા બાળકોને નાની-મોટી ઈજા થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા. સદનશીબે ગંભીર ઈજા થયેલી ન હોવાથી બાળકોની ઘરવાપસી થઈ હતી.
સ્કુલ બસ પલ્ટી મારી ગયાની વાત વાયુવેગે ફેલાઈ જતા વાલીઓમાં ચિંતાનું મોજુ ફરી વળેલું હતું. પરંતુ કોઈને પણ ગંભીર ઈજા ન થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. ઘટનાની જાણ થતાં મદદરૃપ બનવા માટે સેવાભાવી લોકો સ્થળ પર દોડી ગયેલા હતા.