ગુજરાત

મહી સિંચાઈની નહેરમાં ગાબડું પડયું રસ્તા અને ખેતરોમાં પાણી ફરી વળ્યું

નડિયાદ,
નડિયાદ નજીક નેશનલ હાઈવે  અને ટુંડેલ પાસેથી પસાર થતી મહી સિંચાઈ  શાખાની નહેરમાં મોટું ગાબડું પડતા બાજુમાં આવેલ વખતપુરાના રસ્તા પર તથા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. પાણીના કારણે  ટુંડેલથી વાડીયાપુરા જવાના કાચા રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય જામતા ગ્રામજનોને તેમજ  અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને  હવે ફરીને અવરજવર કરવી પડે છે. છેલ્લા ઘણાં વખતથી આ નહેરના પાળા તૂટી ગયા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.

જેની યોગ્ય રીતે મરામત કરાવવા અને ગાબડું ન પડે તે માટે ટુંડેલ અને વાડીયાપુરાના ગ્રામજનો દ્ધારા માતર શાખા સહિત સિંચાઈ વિભાગના લાગતાવળગતા સત્તાવાળાઓને વારંવાર રજૂઆતો કરી હતી. છતાં નહેરના રિપેરીંગમાં ક્ષતિપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી હતી. આખરે પાણી છોડાતા તેના માઠાં પરિણામો ગ્રામજનોને અને વિદ્યાભ્યાસ માટે જતા ગામના વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવ્યો છે. માતર શાખા હસ્તકની આ નહેરમાં તાજેતરમાં પાણી છોડવામાં આવતા ગાબડા મારફતે પાણી ઘૂસવા લાગ્યા હતા. છેવટે ટુંડેલ અને વાડીયાપુરા અને મથુરા નગરી જવાના કાચા રસ્તા પર તેમજ આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા ગ્રામજનો અને ખેડૂતોની કફોડી હાલત થઈ છે. જેના કારણે રસ્તા પર કાદવકીચડનું સામ્રાજ્ય જામ્યું છે, તો શિયાળુ પાકને નુકસાન થયું છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ વાડીયાપુરા અને મથુરાનગરીને જોડતો રસ્તો કાચો હોવાથી પાણી ભરાવાના કારણે માટી ચીકણી થઈ કીચડ જામ્યો છે. તેથી કીચડ ડહોળીને આ રસ્તો પસાર કરવો પડે છે, જેના કારણે પગ ગંદકીથી લથબથ થઈ જાય છે, તેમજ પડી જવાનો પણ ભય રહે છે. આથી મોટાભાગના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ આજે આ રસ્તા પરથી અવરજવર કરી શક્યા નહોતા. તેઓને ફરીને બીજા રસ્તા પરથી અવરજવર કરવી પડી હતી. સરવાળે આ બધામાં તેઓને હેરાનગતિનો સામનો કરવો પડયો હતો. ભંગાર એવી આ નહેરના યોગ્ય રિપેરીંગ કામમાં સિંચાઈ વિભાગ દ્ધારા દાખવવામાં આવેલ ઘોર બેદરકારી બદલ ગ્રામજનો રોષે ભરાયા હતા.  ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે માતર સિંચાઈ વિભાગ તથા સંબંધિત સત્તાવાળાઓને આ સમસ્યાના ઉકેલ માટે વારંવાર રજૂઆતો કરી હતી. પણ તેના   પ્રત્યે કોઈ ધ્યાન ન અપાતા આખરે નહેરમાં મોટું ગાબડું પડવાની નોબત આવી છે. આ ક્ષતિ બદલ જવાબદારોની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x