ગાંધીનગર

ગાંધીનગરમાં કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમલાઈનના ચાલી રહેલા કામમાં વહાલાદવાલાની નીતિ સામે રોષ

ગાંધીનગર :

પાટનગર ગાંધીનગર શહેરમાં રોડ વાઈડનીંગ અને નવી ગટરલાઈન નાંખવાની કામગીરી લગભગ તમામ સેકટરોમાં ચાલી રહી છે ત્યારે વરસાદી માહોલમાં ખાડા ખોદી યોગ્ય પુરાણ નહીં કરવામાં આવતાં ઠેરઠેર ભુવા પડવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના સે-પ/બી ખાતે ચાલી રહેલા સ્ટ્રોમ વોટર લાઈનના કામ બાબતે વહાલાદવાલાની નીતિ અપનાવવામાં આવતાં સ્થાનિક વસાહતીઓમાં રોષ ઉભો થયો હતો અને એક તબકકે કોન્ટ્રાકટર સાથે ઘર્ષણ પણ ઉભું થયું હતું. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા અને મામલો શાંત પાડયો હતો.
પાટનગર ગાંધીનગર શહેરનો સ્માર્ટ સીટીમાં સમાવેશ થઈ ચુકયો છે ત્યારે નવા નવા વિકાસ કામો પણ હાથ ધરાઈ રહયા છે. આગામી વર્ષોને ધ્યાને રાખી શહેરનો વિકાસ કરવામાં આવી રહયો છે. ત્યારે શહેરમાં લગભગ તમામ રોડ પહોળા કરી સિક્સલેન કરવાની કામગીરી તેમજ સ્ટ્રોમ વોટરલાઈન નાંખવાની કામગીરી પણ દરેક સેકટરોમાં હાથ ધરવામાં આવી છે. શહેરના સે-પ/બી ખાતે પણ પાઈપલાઈન નાંખવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. રોડ સાઈડમાં જેસીબી અને અન્ય મશીનરીની મદદથી ખોદકામ કરી નવી લાઈન નાંખવામાં આવી રહી છે ત્યારે વસાહતીઓએ બનાવેલા બગીચા અને ઘર આગળના પેવર બ્લોક પણ આ નવી ગટરલાઈનમાં તોડી નાંખવામાં આવી રહયા હતા ત્યારે અમુક વિસ્તારમાં વહાલા દવાલાની નીતિ અખત્યાર કરીને બગીચા કે પેવર બ્લોક છોડીને કામગીરી કરવામાં આવતાં સ્થાનિક વસાહતીઓમાં રોષ ઉભો થયો હતો.
આ મામલે કોન્ટ્રાકટર સાથે સ્થાનિકોને ઘર્ષણ પણ ઉભું થયું હતું. ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના અધિકારીઓ સ્થળે પહોંચ્યા હતા અને મામલો શાંત પાડયો હતો. ત્યારે વસાહતીઓના જણાવ્યા પ્રમાણે કોન્ટ્રાકટર દ્વારા લાઈનમાં લેવલીંગ યોગ્ય નહીં કરાયું હોવાથી ફરીથી તે કામગીરી પણ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં દસ ફુટ ઉંડા ખાડા મકાનની દીવાલને અડીને જ કરવામાં આવી રહયા છે જેના કારણે પાયાને પણ નુકશાન પહોંચી રહયું છે. આવી સ્થિતિમાં કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા માટે મ્યુનિ. કમિશનરને પણ વસાહતીઓએ રજુઆત કરી છે. ઉલ્લેખયની છે કે નવા સેક્ટરોમાં છેલ્લા બે વર્ષથી સ્ટ્રોમ વોટરલાઇન નાંખવાની કામગીરી ચાલી રહી છે પરંતુ લાઇન નંખાઇ ગયા બાદ તેનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવતી નથી અને જ્યારે વરસાદ આવે છે ત્યારે માટી ધસી જાય છે અને આ જગ્યાએ મોટા મોટા ભુવા પડે છે. જે જીવલેણ પણ પુરવાર થઇ શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x