સૌરાષ્ટ્ર પ્રવાસમાં વિવાદો સર્જયા બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ ઉત્તર ગુજરાતમાં ધૂમ મચાવશે
અમદાવાદ:
ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પદે સી. આર. પાટીલની નિમણૂક સાથે જ વિવાદોની પણ શરૂઆત થઇ હતી. નવી દિલ્હીથી આગમન ટાણે જ સુરતમાં કોરોના વાઈરસની ગાઇડલાઇનને કોરોણે મૂકીને સ્વાગતના નામે હજારો લોકો ભેગા થતા વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ તેમાંથી ભૂલ સુધારવાને બદલે પાટીલે સૌરાષ્ટ્ર પ્રવાસમાં પણ નિયમોની ઘોર અવગણના કરીને રેલી, ગરબા અને કાર્યકર્તાઓના ટોળાં ભેગા કર્યા હતાં. હવે ઉત્તર ગુજરાતમાં પણ આગમી ૩ જી સપ્ટેમ્બરથી પાટીલ રાજકીય પ્રવાસ યોજવાના છે.
ગુજરાત ભાજપના પ્રમુખપદે સી.આર પાટીલની નિમણૂક બાદ નવી ટીમની રચના પહેલા સી.આર.એ પ્રવાસ શરૂ કર્યા બાદ આગામી ૩જી સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરી રહ્યા છે. પાટીલ સૌ પ્રથમ અંબાજી દર્શન કરી ઉત્તર ગુજરાતનાં પ્રવાસની શરૂઆત કરશે. જ્યાં તમામ કાર્યકર્તાઓની મૂંઝવણ, ફરિયાદ અને રજૂઆત સાંભળશે.
ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે સી.આર. પાટીલની નિમણૂક સાથે જ ભાજપના સ્થાનિક નેતાઓમાં ગણગણાટ શરૂ થઈ ગયો હતો. પાટીલે પણ પોતાની સ્ટ્રેટેજી સાથે જોરશોરથી કામગીરી ચાલુ કરી દીધી છે. જેમાં નવા સંગઠનની રચના પહેલા પાટીલે પહેલો જ પ્રવાસ મુખ્ય પ્રધાનના વિસ્તારથી કર્યો હતો, હવે બીજા રાઉન્ડમાં નાયબ મુખ્ય પ્રધાનનો વિસ્તાર પકડશે. પોતાની પ્રદેશ પ્રમુખ પદે નિમણૂક સાથે શરૂ થયેલા જૂથવાદ અને અસંતોષ વચ્ચે સરકારના બે મુખ્ય પદ મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનના વિસ્તારમાં ભાજપની સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ખાસ કરીને ૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપને માત્ર ૯૯ બેઠકો મળ્યા બાદ સરકારની કામગીરી અને સંગઠન સાથેના સંકલનની પરિસ્થિતિ કેવી છે તે ચકાસવા તેની કવાયત આદરી છે.