ગાંધીનગરગુજરાત

સરદાર સરોવર નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલવામાં આવ્યાં, ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટરે નોંધાઇ

નર્મદા :
આજે ૨૯ મી ઓગષ્ટ, ૨૦૨૦ ને શનિવારના રોજ નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોની ખાતેના સરદાર સરોવર ડેમની ઉપરવાસમાં આવેલા ઇન્દીરા સાગર ડેમ અને ઓમકારેશ્વર ડેમમાંથી આશરે ૫ લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જે પાણી સરદાર સરોવરમાં દાખલ થતાં આજે સવારે ૮-૦૦ કલાકે સરદાર સરોવર ડેમની સપાટી ૧૩૧.૨૮ મીટર જેટલી નોંધાયેલ હતી. આ સમયે સરદાર સરોવર ડેમમાં ૧૫ ગેટ ૩.૧૩ મીટર જેટલા ખોલવામાં આવ્યા હતાં અને ભરૂચ તરફ ૨,૬૮,૮૦૮ ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું હતું. આ સમયે ડેમમાં ૭,૨૧૬ મીલીયન ક્યુસેક મીટર પાણીનો ગ્રોસ સ્ટોરેજ થયેલો હતો, જેમાં લાઇવ સ્ટોરેજ ૩,૫૧૬ મિલીયન ક્યુબીક મીટર જેટલો નોંધાયેલ હતો. આજે સવારે ૧૧-૦૦ કલાકે ડેમના ૨૩ ગેટ ૨.૮૫ મીટર જેટલા ખૂલ્લા કરવામાં આવ્યા છે. આ સમયે ૪.૧૦ લાખ ક્યુસેક જેટલો પાણીનો ફ્લો ભરૂચ તરફ વહી રહ્યોં છે. આની સામે અત્યારે ઇનફ્લો ૩.૭૬ લાખ ક્યુસેક જેટલો નોંધાયેલ છે, તેમ નર્મદા ડેમના કાર્યપાલક ઇજનેરશ્રી અશોક ગજ્જરે જણાવ્યું હતું. છેલ્લે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે સાંજે ૪-૦૦ કલાકે નર્મદા ડેમની સપાટી ૧૩૧.૧૫ મીટરે નોંધાઇ હતી.

હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી આશરે ૫ લાખથી ૮ લાખ ક્યુસેક જેટલું પાણી સરદાર સરોવરમાં આવવાની સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને ડેમના દરવાજા હજુ ૨.૮૫ મીટરથી વધારે ઉંચા ખોલવામાં આવશે. હાલમાં રીવરબેડ પાવર હાઉસના પાંચ યુનિટ ચાલુ હોવાથી ૧૦૦૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે અને વિજળી ઉત્પન્ન કર્યા પછી ૩૫ હજાર ક્યુસેક જેટલું પાણી ભરૂચ તરફ વહી રહ્યું છે. તદ્ઉપરાંત કેનાલ હેડ પાવર હાઉસમાં ૩ યુનિટ કાર્યરત છે અને ૧૫૦ મેગાવોટ વિજળી ઉત્પન્ન થઇ રહી છે, જેને કારણે ૧૦ હજાર ક્યુસેક જેટલો પાણીનો ફ્લો મુખ્ય કેનાલ તરફ વહી રહ્યોં હોવાની જાણકારી પ્રાપ્ત થઇ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x