ગાંધીનગરગુજરાત

રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં JEE તથા NEETની પરીક્ષા યોજાશે : શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા

ગાંધીનગર :
રાજ્યભરમાં કોરોના સંક્રમણ સંબધિત સંપૂર્ણ તકેદારી સાથે રાજ્યના વિદ્યાર્થીઓના હિતમાં National Testing Agency, New Delhi દ્વારા લેવામાં આવનાર JEE (main) તથા NEET (UG) પરીક્ષા યોજાશે. આ પરીક્ષાના સુચારુ આયોજનની શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સમીક્ષા કરતા જણાવ્યું હતુ કે, સમગ્ર પરીક્ષા Covid-19ની મહામારીની પરિસ્થિતિમાં તથા વધુ વરસાદના સંજોગોમાં સારી રીતે પરિપૂર્ણ થાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સુસજ્જ છે.

શિક્ષણ મંત્રીશ્રીએ રાજ્યના ૧૫ જેટલા જિલ્લા કલેક્ટરશ્રીઓ સાથે વેબીનારના માધ્યમથી સંપૂર્ણ તકેદારી સાથે પરીક્ષા પાર પડે તે માટે વહીવટીતંત્રને જરૂરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતુ કે, ઇજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટે JEE (Main) તા.૦૧/૦૯/ર0ર0 થી તા. ૦૬/૦૯/૨૦૨૦ દરમિયાન તથા મેડિકલ સંલગ્ન અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET (UG) તા.૧૩/૦૯/ર૦૨૦ના રોજ યોજાશે. રાજ્યભરના ૧૩ જિલ્લાના ૩૨ કેન્દ્રો ખાતેથી ૩૮,૧૬૭ વિદ્યાર્થીઓ JEE (Main) પરીક્ષામાં તથા ૧૦ જિલ્લાના ૨૧૪ કેન્દ્ર ખાતેથી ૮૦,૨૯૦ વિદ્યાર્થીઓ NEET (UG)ની પરીક્ષામાં જોડાશે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પરીક્ષા સંદર્ભે અપાયેલ માર્ગદર્શન મુજબ રાજ્ય સરકાર દ્વારા જ્યાં પરીક્ષાઓ યોજાવાની છે તે ૧૫ જિલ્લાઓના સંબંધિત તમામ કલેક્ટરશ્રીઓને કેંદ્ર સરકારના Ministry of Human Resource Development દ્વારા જાહેર કરવામાં આવેલ Standard Operating Procedure (SOP) અનુસાર પરીક્ષાની કાર્યવાહી થાય તે માટે શિક્ષણ મંત્રીશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મંત્રીશ્રીએ આ પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ તથા વાલીઓને તકલીફ ન પડે તે મુજબ તંત્રને જરૂરી વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતુ. જેમાં ખાસ કરીને પરીક્ષા સ્થળો અને પરીક્ષા ખંડો સેનેટાઈઝ થાય, પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ-નિકાસ દરમિયાન તથા પરીક્ષાર્થીઓની બેઠક વ્યવસ્થામાં પણ સામાજિક અંતર જળવાય, કોઈ પણ જાતની ભીડ ન થાય, પરીક્ષા સ્થળો ઉપર વિદ્યાર્થીઓને જો જરૂર હોય તો વધારાના માસ્ક મળી રહે અને થર્મલ ગન વડે પરીક્ષા કેન્દ્રમાં તમામ વિદ્યાર્થીઓના શરીરનું તાપમાન માપીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવે. તદઉપરાંત સેશન પુરૂ થાય ત્યારબાદ તરત જ બેઠક વ્યવસ્થાનું સેનીટાઈઝેશન થાય તે પ્રકારે તમામ વ્યવસ્થા ગોઠવવા મંત્રીશ્રીએ વહીવટી તંત્રને સુચના આપી હતી.

શ્રી ચૂડાસમાએ વીજ કંપનીઓ, એસ.ટી. તથા આરોગ્ય તંત્ર અને મ્યુનિ. કોર્પોરેશન તથા મ્યુનિસિપાલિટીઓ તથા પરીક્ષા કેન્દ્રો પર કાયદો વ્યવસ્થા જળવાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કેળવી પરીક્ષા સ્થળ ઉપર બિનજરૂરી ભીડ ન થાય તેવી વ્યવસ્થા ગોઠવાય તેની કાળજી લેવા પણ તેમણે સુચના આપી હતી.

આ વેબીનારમાં રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રી અંજુ શર્મા, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષ શ્રી એ. જે. શાહ તથા શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x